મોરબીમાં મંડપ સર્વિસના ધંધાર્થી અને તેના મિત્ર પર 5 શખ્સોનો હુમલો

જૂની અદાવતનો ખાર રાખી છરી, પાઈપ અને ધોકાથી તૂટી પડ્યા

મોરબીના વજેપર વિસ્તારમાં મંડપ સર્વિસનો ધંધો કરતા યુવાન અને તેના મિત્ર પર પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. અન્ય મિત્ર સાથે ચાલતા જૂના ઝઘડાનો ખાર રાખી આરોપીઓએ છરીના ઘા ઝીંક્યા, લોખંડના પાઇપ અને ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવમાં બંને યુવકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મોરબીના વજેપર શેરી નં.11 ખાતે રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા રોહિતભાઈ જગદીશભાઈ બાંભણિયા ઉવ.19એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.21 જૂનની રાત્રે તેઓ પોતાના મિત્રો વિશાલ મનોજભાઈ મકવાણા અને ખોડાભાઈ હર્ષદભાઈ ચૌહાણ સાથે ખોડિયાર માતાજીના મંદિર પાસે બેઠા હતા. ત્યારે ખોડાભાઈ ઘરે જતા રહ્યા બાદ અગાઉ ખોડાભાઈ સાથે ચાલતી જૂની અદાવતનો ખાર રાખી ત્યાં આરોપી દીપ ગણેશભાઈ રાવલ અને જગદીશ ઉર્ફે જગો સુરેશભાઈ થરેશા રહે. બન્ને વજેપર વાળા ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યાં બોલાચાલી બાદ બંનેએ રોહિતભાઈને છરીના ત્રણ ઘા ઝીંક્યા હતા.
બાદમાં સારવાર માટે જતા સમયે સરકારી સ્કૂલ પાસે આરોપીઓએ પીછો કરી વિશાલ મકવાણાના માથામાં લોખંડના પાઇપનો ઘા માર્યો હતો. ત્યારબાદ આરોપી જીગ્નેશભાઈ ભીમાભાઈ રહે.વજેપર, જયપાલ ઝાલા રહે.શિવ સોસાયટી મોરબી અને સાહિલ મુન્નાભાઈ જાદવ રહે.કાલિકા પ્લોટ વાળા પણ પહોંચી જતા આરોપી જયપાલે ધોકાથી હુમલો કર્યો હતો અને ત્રણેયે બંને યુવકોને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ ભોગ બનનાર રોહિતભાઈની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ