યોગ્ય કાર્યવાહી નહી થાય તો આગામી લોક અદાલતનો બહિષ્કાર કરવાનો ઠરાવ પસાર કરાયો
બાર એસો.ની કારોબારીની આજે મળેલી મિટિંગમાં વકીલો સાથે બે જજીસના ગેરવર્તન, અપમાન પ્રશ્ને કોઈ પગલાં લેવામાં ન આવતા વકીલો દ્વારા તા. 29ને સોમવારે શહેરની તમામ કોર્ટનો બહિષ્કાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પણ કોઈ પગલાં ન લેવાય તો તા. 11/ 7/ 2026ના રોજ યોજાનારી લોક અદાલતનો પણ બહિષ્કાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
રાજકોટ બાર એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ,બાર એસોસિએશનની તા. 18/ 6/ 2026ના રોજ સામાન્ય સભામાં રાજકોટની અદાલતોના બે જ્યુડિશિયલ ઓફિસરોની કોર નો બહીષ્કાર કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ. તેમજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ સમક્ષ રજુઆત પણ કરવામાં આવી હતી.
પરંતુ આજ દિવસ સુધી કોઇ પગલાં લઇ વકીલોના પ્રશ્નોનું નિરાકરણ આવેલ ન હોય, જેથી આજરોજ હાજર રહેલ સભ્યો તથા વીડીયો કોન્ફરન્સથી મીટીંગ બોલાવવામા આવેલ, જેમાં વકીલોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા બાદ તા. 29/ 6/ 2026ના સોમવારના રોજ એક દિવસ તમામ કોર્ટ, ફેમિલી કોર્ટ તેમજ બાળ અદાલત સહીતની કોર્ટોમાં કોર્ટ કાર્યવાહીથી તમામ વકીલોએ અલિપ્ત રહેવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. તેમજ જ્જીસને તા. 29/ 6/ 2026 સોમવારના રોજ કોર્ટોમાં ચાલતા કેસોમાં પક્ષકારોને નુકશાન ન જાય તે રીતે તમામ કેસોની યથાવત પરિસ્થિતિ જાળવવા તેમજ વકીલોની ગેરહાજરીમાં કોઈ કેસોમાં કોઈ પણ જાતનો હુકમ ન ફરમાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વકીલોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આગામી તા. 11/7/2026ની લોક અદાલતનો પણ બહીષ્કાર કરવાનું ઠરાવવામાં આવેલ છે.