રાજકોટ-ભાવનગર રૂટની બસમાં 7 મુસાફરો પાસેથી 130 મેળવી ટીકીટ નહિ આપતા ચેકીંગમાં ભાંડો ફૂટ્યો’તો
રાજકોટ-ભાવનગર રૂટની બસમાં તા.26-9-2014 ના રોજ અમદાવાદ સેન્ટ્રલ લાઈન ચેકિંગ સ્ક્વોડના ઈન્સ્પેક્ટર દ્વારા ત્રંબા પાસે કરવામાં આવેલા અચાનક બસ ચેકિંગ દરમિયાન માલૂમ પડ્યું હતું કે રાજકોટ એસ.ટી. કોર્પોરેશનના રાજકોટ ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા તુલસીભાઈ અંબાભાઈ ભંડેરીએ કૂલ 7 પેસેન્જરો પાસેથી રૂ. 130 ની રકમ ઉઘરાવી હોવા છતાં ટીકીટ આપી ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ખાતાકીય તપાસમાં આ નાણાકીય ઉચાપત પુરવાર થતાં નિગમે તેમના બેઝિક પગારમાંથી 4 સ્ટેજ ડાઉન કરવાની સજા કરી હતી.
જેને કંડક્ટરે ઔદ્યોગિક અદાલત રાજકોટ સમક્ષ પડકારી હતી. આ કેસમાં રાજકોટ એસ.ટી. નિગમના પેનલ એડવોકેટ અનિલ એસ. ગોગિયાએ રજુઆત કરી હતી કે, મુસાફરો પાસેથી ભાડું વસૂલી ટીકીટ ન આપવી એ અપ્રમાણિકતા અને નાણાકીય ઉચાપત છે, જે તપાસમાં સાબિત થઈ ચૂકી છે. વિભાગીય તપાસ સંપૂર્ણપણે કાયદેસર હતી અને કરવામાં આવેલી સજા અતિશય કઠોર નથી સહિતની દલીલો ગ્રાહ્ય રાખી ઔદ્યોગિક ટ્રીબ્યુનલના ન્યાયાધીશ પી.એ. માલવીયાએ કંડક્ટર દ્વારા વિભાગીય સજા રદ કરવાની તથા તમામ નાણાકીય લાભો મેળવવાની માંગણી સંપૂર્ણપણે ફગાવી દઈ એસ.ટી. કોર્પોરેશનની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.