કોર્ટ કેસના સમાધાન મુદ્દે અગાઉ ધમકી આપ્યાના બીજા જ દિવસે હુમલો
એક મહિલા સહિત ત્રણ શખ્સોએ ધારીયું, લોખંડના પાઇપ અને કોદાળી વડે હુમલો કર્યો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જીવાપર ગામે મહિલા સરપંચ ભાવનાબેન હિરપરાના પતિ મહેશભાઈ શામજી ભાઇ હીરપરા ઉપર તે જ ગામે રહેતી એક મહિલા સહિત ત્રણ શખ્સોએ હિચકારો હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. જીવાપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ ઉપર વિજય માધાભાઇ સરવૈયા, સંજય માધાભાઇ સરવૈયા અને મુકતાબેન વિજયભાઇ સરવૈયાએ કથિત રીતે જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, અગાઉના કોર્ટ કેસના સમાધાનને લઈને મહેશભાઇ હીરપરાને એક દિવસ અગાઉ આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ અંગે મહેશભાઇ હીરપરાએ ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ધમકીની ફરિયાદ નોંધાવ્યાના બીજા જ દિવસે વિજય માધાભાઇ સરવૈયા, સંજય માધાભાઇ સરવૈયા અને મુકતાબેન વિજયભાઇ સરવૈયા નામની મહિલા સહિત ત્રણ શખ્સોએ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
આરોપીઓએ ધારીયું, લોખંડનો પાઇપ અને કોદાળી જેવા હથિયારો વડે હુમલો કરતાં મહેશ હીરપરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહેશ હીરપરાને સારવાર માટે પ્રથમ અમરેલી ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા.
ઘટનાને પગલે ખાંભા પોલીસે વિજય સરવૈયા, સંજય સરવૈયા અને મુકતાબેન સરવૈયા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલાની ઘટનાને પગલે જીવાપર ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
