ચોરવાડના ભરચક એવા વિમળા ચોકમાં વાહન અકસ્માત મુદ્દે બોલાચાલી બાદ યુવાન પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચોરવાડના ઘાંસી વાવ વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ પાંચાભાઇ ડાભી સાથે અર્ટીગા કારમાં વાહન અડી જવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. આરોપી હીતેષભાઇ જગદીશભાઇ પરમારે પોતાની એક્ટિવા ગાડી અડાડ્યા બાદ બોલાચાલી કરી હતી. ત્યારબાદ હીતેષ પરમાર સહિત રાજેશ વૈશ, નિલેશ વૈશ, જય કરગઠીયા, ભરત ડાભી અને સરમણ પંડીતે ગેરકાયદે મંડળી રચી, શૈલેષભાઇ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લાકડાના ધોકા વડે શૈલેષભાઇના ડાબા હાથમાં કોણીના ભાગે ગંભીર ઘા મારી ફેક્ચર કરી દીધું હતું. તેમજ આડેધડ ઢીકાપાટુનો માર મારી જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ અંગે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગો પર ઘાસચારો વેચતા બે યુવકો સામે કાર્યવાહી
જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીની ફરિયાદના આધારે બી ડીવીઝન પોલીસે જાહેર માર્ગો પર ઘાસચારાના અટકાયતી અભિયાન અંતર્ગત દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માર્ગો અને ફૂટપાથ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, તેનો ભંગ કરવા બદલ બે અલગ-અલગ સ્થળેથી યુવકો સામે ગુનો દાખલ કરાયો છે.
પ્રથમ બનાવમાં વણઝારી ચોક ખાતેથી ખાડીયાના અરમાન ઈમરાન બાનવા (ઉ.વ.24) સામે ઇગજ કલમ 223 હેઠળ કાર્યવાહી કરાઈ હતી. જ્યારે બીજા બનાવમાં ગીરીરાજ મેઈન રોડ બસ સ્ટેન્ડ નજીકથી ઘાંચી વાળા માર્કેટના મોહીબ ઈકબાલ જમાતી (ઉ.વ.25) વિરુદ્ધ જાહેરનામાના અનાદર બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
પાણીની મોટર ચાલુ કરવાના મામલે જૂથ અથડામણ
જૂનાગઢના માંગરોળના જેતખમ વાડી વિસ્તારમાં પાણીની મોટર ચાલુ થઈ જવા બાબતે હિંસક ઝઘડો થયો હતો. ફાતમાબેન હારૂણભાઇ કાલવાતના ખેતરમાં ભૂલથી પાણીની મોટર ચાલુ થઈ જતાં પાડોશી ઇકબાલ સુલેમાન કાલવાત અને યુનુસ સુલેમાન કાલવાત ઉશ્કેરાઈ ગયા હતા. અને બંને આરોપીઓએ ખેતરમાં આવી ફરિયાદી અને સાક્ષીઓ સાથે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ઢીંકાપાટુનો ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેની આગળની તપાસ એ.એસ.આઇ. એસ.એસ. પરમાર ચલાવી રહ્યા છે.
પત્તા પ્રેમીઓ પર તવાઈ
જુનાગઢ તાલુકા પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં જુગારધામ પર સપાટો બોલાવી ખડીયા અને ડુંગરપુર ગામમાંથી કુલ 7 શખ્સોને રોકડ રકમ તથા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પ્રથમ દરોડામાં, પોલીસે ખડીયા ગામે પટેલ સોસાયટી પાછળ પ્રફુલભાઈ સોલંકીના ખેતર પાસે છાપો માર્યો હતો. ત્યાં જાહેરમાં ગંજીપતા વડે તીનપત્તીનો જુગાર રમતા પ્રફુલ સોલંકી, પારસ ચૌહાણ, રવિ ઘુલ, બોઘા ગમારા, સુરેશ રાવલીયા અને આશીષ ઢોલા નામના 6 ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 1,12,200 ની રોકડ રકમ અને ગંજીપતા જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
બીજી તરફ, ડુંગરપુર ગામના સુભાષનગર-1 ગરબી ચોકમાં વરલી મટકાનો જુગાર રમાડતા દિનેશભાઈ રઘુભાઈ વિરસોડીયા કોળી (ઉ.વ.44) ને પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. 3,160 ની રોકડ, ગંજીપતાના પાના અને આંકડા લખેલી થેલી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.