Jai Hind

ગોંડલના પાટીદડના યુવાને 7 લાખનો વિમો પકાવવા કાર પેટ્રોલ છાંટી સળગાવી

અકસ્માતની સ્ટોરી ઉભી કરી: પોલીસ તપાસમાં ભાંડો ફુટતા ફરીયાદી સામે જ ગુનો

વીમાના રૂપિયા પકવવા માટે લોકો કેવા કેવા કીમિયા અપનાવતા હોય છે તેનો એક કિસ્સો ગોંડલ પંથકમાં સામે આવ્યો છે. ગોંડલના પાટીદડ ગામે રહેતા એક યુવાને અકસ્માત બાદ પોતાની જ કારને રાતોરાત પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી અને પોલીસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની ખોટી જાણ કરી હતી. જોકે ગોંડલ તાલુકા પોલીસની ઉલટ તપાસમાં યુવાનના આ કારસ્તાનનો પર્દાફાશ થયો છે અને પોલીસે યુવાન ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના પાટીદડ ગામે રહેતા દિપ ચંદુભાઈ વિરડીયા (ઉ.વ.26)એ પોલીસમાં એવી જાહેરાત કરી હતી કે, ગત તા. 4ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે તે પોતાની વર્ના ગાડી નં. ૠઉં-07-ઉઈ-4609 લઈને ગોંડલથી પાટીદડ જઈ રહ્યો હતો. ત્યારે ગામ પાસે ગોળાઈમાં વધુ સ્પીડના કારણે કાર રોડ નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. એરબેગ ખુલતા તેને કોઈ ઈજા થઈ ન હતી. ત્યારબાદ રાત્રે 11 વાગ્યાની આસપાસ તે મિત્ર સાથે પલટી ગયેલી ગાડી પાસે ગયો ત્યારે તેમાં એકાએક ધુમાડો નીકળ્યો હતો અને શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી. ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર ફાઈટરે આગ બુઝાવી હતી પરંતુ ગાડી સળગી જતાં આશરે 7 લાખનું નુકસાન થયું હોવાનું તેણે જણાવ્યું હતું.
બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકના અજઈં કર્મરાજસિંહ પરમારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને યુવાનની સ્ટોરી પર શંકા જતાં તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેમાં યુવાનનો ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, ગાડીમાં કોઈ શોર્ટ સર્કિટ નહોતું થયું, પરંતુ આરોપી દિપ વિરડીયાએ 7 લાખનો વીમો પકવવા માટે સાંજે હાઇબોન્ડ સિમેન્ટ ફેક્ટરી પાસેથી પેટ્રોલ ખરીદ્યું હતું. ત્યારબાદ રાત્રે 11 વાગ્યે અકસ્માતગ્રસ્ત ગાડી પાસે જઈને તેના પર પેટ્રોલ છાંટી જાતે જ આગ ચાંપી દીધી હતી. વીમાના રૂપિયા મેળવવા માટે જાહેરમાં આગ લગાવી ઉપદ્રવ મચાવવા અને પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવા બદલ પોલીસે દિપ વિરડીયા સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.