આમ ગ્રામજનોની ગેરહાજરી: યુવા અગ્રણીએ સરકારે ફાળવેલા ટ્રેક્ટર અને ટ્રોલી વિશે માહિતી માંગી
પોરબંદર નજીકના રાણા કંડોરણા ખાતે ગ્રામસભાનું નિરસ આયોજન થયું હતું.
રાણા કંડોરણા ગ્રામ પંચાયત દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ ગ્રામસભામાં તલાટી મંત્રી, સરપંચ, પંચાયતના સદસ્યો અને આશા વર્કર બહેનો સિવાય ગામના સામાન્ય નાગરિકોની હાજરી નહિવત રહી હતી, ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અગાઉ ગામમાં ગ્રામસભા યોજાતી ત્યારે ઢોલ વગાડીને આખા ગામમાં જાણ કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામસભા ક્યારે બોલાવવામાં આવે છે તેની કોઈને જાણ થતી નથી અને પંચાયત કચેરીમાં જ ગ્રામસભા સંકેલી લેવામાં આવે છે. ગઈકાલે પણ આવું જ થતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો.
આ ગ્રામસભામાં યુવા આગેવાન રમેશભાઈ ભીમાભાઈ રાતીયા દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતને ત્રણ ટ્રેક્ટર અને ત્રણ ટ્રોલી ફાળવવામાં આવ્યા છે, તે હાલ ક્યાં છે અને કયા કામમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે તેની સ્પષ્ટતા કરવામાં આવે. જેના જવાબમાં તલાટી મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેનો વપરાશ ક્યાં થાય છે તે મારા ધ્યાનમાં નથી.
આ અંગે ગ્રામજનો દ્વારા લેખિતમાં માહિતી આપવા માંગ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં પંચાયત દ્વારા ગામમાં કયા વિકાસના કામો કરવામાં આવ્યા છે અને કયા કામો માત્ર કાગળ ઉપર જ છે તે અંગે છઝઈં હેઠળ માહિતી માંગવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી ઘટતું કરવામાં આવે તેવી રાણા કંડોરણા ગામના જાગૃત નાગરિકોની માંગ છે.