પોરાઇ મંદિર પટાંગણમાં સ્લમ વિસ્તારના બાળકોનું થઇ રહ્યુ છે ઘડતર

કુછડીના સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા સંધ્યા ગુરૂકુલમ્ના માધ્યમથી બે દાયકાથી ધમધમી રહ્યો છે શૈક્ષણિક સેવાયજ્ઞ: એમ.બી.એ.થી માંડીને એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ બન્યા પગભર

પોરબંદરમાં અનેકવિધ સંસ્થાઓ સેવાપ્રવૃત્તિ કરી રહી છે જેમાં પોરાઇ માતાજીના પટાંગણમાં કુછડીના ટ્રસ્ટ દ્વારા બે દાયકાથી સ્લમ વિસ્તારના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે અને સંધ્યા ગુરુકુલમ્ના માધ્યમથી ભણેલા વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ અને એમ.બી.એ. સુધીનો અભ્યાસ કરીને પગભર બની ચૂકયા છે.
સનાતન હિંદુ ધર્મના પ્રચાર પ્રસાર માટે તન, મન ધન અને જ્ઞાનના સતત પ્રયાસોથી પોરબંદરના કુછડી ગામ નજીક સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત તીર્થ આશ્રમના સંચાલક પરમ પૂજ્ય નિગમાનંદા સરસ્વતીજી તથા પરમ પૂજ્ય નિત્ય કલ્યાણાનંદા સરસ્વતીજી દ્વારા સંચાલિત ‘સંધ્યા ગુરુકુલમ્’ દ્વારા ઝુંડાળા વિસ્તારમાં પોરાઇ માતાના મંદિરમાં કાર્યરત છે.
આ સંધ્યા ગુરુકુલમ્માં જરૂરિયાતમંદ બાળકોનો શૈક્ષણિક હેતુ માટે વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. તથા તે બાળકોના ભણતર માટે તમામ પ્રકારની આર્થિક સહાય આપવામાં આવે છે.
છેલ્લા 20 વર્ષોથી આ શૈક્ષણિક યજ્ઞમાં બાળકોને સાંજે 5 થી 7 નિયમિત ટ્યુશન આપવામાં આવે છે. તથા સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ શૈક્ષણિક સેવાયજ્ઞમાં પ્રતીમાબેન પારેખ, જરૂબેન વાડીયા,સવિતાબેન પોસ્તરીયા, રસીલાબેન લાખાણી તથા જ્યોતિબેન મોદી દ્વારા માનદ્ સેવા આપવામાં આવે છે. સંધ્યા ગુરુકુલની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. સંધ્યા ગુરુકુલની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જયશ્રી માલમ, કવિ કરમટા, રિધ્ધિ સોલંકી તથા મનાલી માલમ દ્વારા માનદ વેતન દ્વારા સેવા આપી રહી છે. પોરબંદરની વિવિધ સામાજિક સંસ્થાઓ બાળકોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રોજેકટ દ્વારા સહયોગ આપે છે.
આજ સુધી આ સંધ્યા ગુરુકુલમ્માં કુલ 7 વિદ્યાર્થીઓએ ડીગ્રી એન્જીનીયરીંગમાં 4 વિદ્યાર્થીઓ એમ.બી.એ. અને 10 વિદ્યાર્થીઓ ડબલ ગ્રેજ્યુએશન અને 17 વિદ્યાર્થીઓએ ગ્રેજયુએશન પૂરુ કરી સર્વિસમાં સેટ થઇ ગયેલા છે.
શનિવારે રાસગરબાનું આયોજન
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ અને અગ્રણી મહિલા સંસ્થાઓના કર્તાહર્તા ડો. ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં શનિવાર તા. 24-10ના સાંજે 4 થી 7 દરમ્યાન સંધ્યા ગુરુકુલમ્ ખાતે બાળકો માટે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ