રાજકોટમાં હદયરોગનો હુમલો વધુ બે માનવ જીંદગી ભરખી ગયો

યાત્રા કરી પરત ફરતા વૃદ્ધનું બસમા અને ઝાડના છાયડે બેઠેલો યુવકનું હાર્ટ બેસી ગયું

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. ત્યારે વધુ બે લોકોના હાર્ટ બેસી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મિત્રો સાથે યાત્રા કરી પરત ફરી રહેલા વૃધ્ધનું બસમાં જ હાર્ટએટેકથી મોત નીપજ્યુ છે. જ્યારે અટીકા ફાટક પાસે ઝાડના છાયડે બેઠેલા શ્રમિક યુવકને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મુંબઇના વતની અને ગોંડલમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઇ રહેલા યોગેશભાઇ પોપટભાઇ ઉદેશી (ઉ.વ.66) પોતાના મિત્રો સાથે નાથદ્વારા યાત્રા કરવા ગયા હતા. ગઇકાલે શામળાજીથી બસમાં બેસી રાજકોટ બીગબજાર પાસે પહોંચ્યા હતા ત્યારે નિદ્રાધીન યોગેશભાઇ ઉદેશીને મિત્રોએ જગાડતા તેઓ ઉઠ્યા ન હતા. જેથી તેમને તાત્કાલીક બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યા તબીબે યોગેશભાઇ ઉદેશીને હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતું.
જ્યારે બીજા બનાવમાં અટીકા ફાટક પાસે બપોરના સમયે ઝાડના છાયડે બેઠેલા શિવચરણ રામદેવભાઇ બર્મા (ઉ.વ.40)ને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથૉ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ