Jai Hind

સેન્સેક્સમાં ૧૮૩૬ પોઈન્ટનો ઘટાડો: ૧૧ લાખ કરોડનું ધોવાણ

મધ્ય પૂર્વ યુધ્ધથી તમામ બજારોમાં ઘેરી મંદી

મધ્ય પૂર્વમાં વધુને વધુ ભયાનક બની રહેલા યુધ્ધને કારણે શેરબજારથી માંડીને કરન્સી સોના-ચાંદી, ક્રુડ સહિતના માર્કેટમાં ગંભીર અસર વધુ તીવ્ર બનવા લાગી હોય તેમ આજે વધુ કડાકા સર્જાયા હતા. સેન્સેક્સ 1836 પોઇન્ટથી વધુ ગગડ્યો હતો. ડોલર સામે રૂપિયો 94ના માર્ગે હોય તેમ 93.94ના સ્તરે પહોંચી ગયો હતો. ક્રુડ 114 ડોલરને પાર થયું હતું. જ્યારે સોના-ચાંદીમાં વધુ કડાકા સર્જાયા હતા.
અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઇરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે જે આજે પૂર્ણ થઇ રહ્યું છે તે પૂર્વે ઇરાને વળતી ધમકી આપીને એવી ચેતવણી આપી છે કે અમેરિકા કોઇ હુમલો કરશે તો હોર્મુઝ સ્ટે્રટ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. આ સિવાય ઇઝરાયેલે ઇરાનના રહેણાંક વિસ્તારોમાં હુમલા ચાલુ કરતાં તેનો પણ ગભરાટ હતો. વિદેશી નાણાં સંસ્થાઓની જંગી વેચવાલી માર્કેટ માટે નવા કોઇ પોઝીટીવ કારણોની ગેરહાજરી, કોર્પોરેટ જગત પર પણ ગેસ સહિતના કારણે તીવ્ર અસર વર્તાવાનું શરુ થયાના સંકેત સહિતના કારણોસર માર્કેટ સડસડાટ કરતું નીચું ઉતરતું રહયું હતું. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટ મામલે આજે હાકલા-પડકારા થયા હોવાથી આજનો દિવસ નિર્ણાયક સાબિત થઇ શકે તેમ હોવાના કારણે માર્કેટમાં અસર વધુ ગંભીર હોવાનું જણાઇ રહ્યું છે.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1490 પોઇન્ટના કડાકાથી 73042 થયો હતો, જે ઉંચામાં 73732 તથા નીચામાં 72558 થયો હતો. નીફટી 505 પોઇન્ટના ગાબડાથી 22609 હતો જે ઉંચામાં 22851 તથા નીચામાં 22471 હતો. પ્રચંડ કડાકાના કારણે ઇન્વેસ્ટરોની સંપત્તિમાં 11 લાખ કરોડનું ધોવાણ થયું હતું.