Jai Hind

યુધ્ધ વિરામ માટે વાટાઘાટોનો તખ્તો તૈયાર થયાના સંકેતથી શેરબજાર-સોના-ચાંદીમાં હાઇ-જમ્પ: ક્રૂડ ગગડીને 98 ડોલર

સેન્સેક્સમાં વધુ 1205 પોઇન્ટનો ઉછાળો; બેંક નિફટી તથા મીડકેપ ઇન્ડેક્સ 1500 પોઇન્ટથી વધુ ઉંચકાયા: સાર્વત્રિક લેવાલી

મધ્ય પૂર્વમાં યુધ્ધને બ્રેક લાગવાની આશા ઉભી થવાના પગલે શેરબજાર સહિત નાણાં માર્કેટોમાં તેજીનો ધમધમાટ શરુ થયો હોય તેમ આજે સતત બીજા દિવસે જોરદાર ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 1781 પોઇન્ટ ઉંચકાયો હતો. સોનામાં 5000 તથા ચાંદીમાં 12000 વધી ગયા હતા જ્યારે ક્રુડ તેલ 100 ડોલરની નીચે ઉતરવા સાથે 7 ટકાથી વધુ ગગડ્યું હતું.
ઇરાન સાથે યુધ્ધ વિરામના પ્રયાસો તેજ બનતા અને દરખાસ્તો રજૂ થયાના અહેવાલોના પગલે શેરબજારમાં આજે શરુઆત જ પોઝીટીવ ટોને થઇ હતી. એશિયન માર્કેટો તેજીમાં હતા આ સિવાય ક્રુડ તેલમાં કડાકાથી તેજીને ટેકો મળ્યો હતો. યુધ્ધ વિરામ સર્જાવાના સંજોગોમાં ક્રૂડ નીચે આવશે અને તેને કારણે વિશ્ર્વભરમાં સર્જાયેલી પેટ્રોલીયમથી માંડીને આર્થિક કટોકટીમાં મોટી રાહત મળશે તેવા આશાવાદના પગલે સારી અસર પડી હતી. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે છેલ્લા દિવસોની મંદી યુધ્ધના ગભરાટના કારણે હતી. હવે યુધ્ધ વિરામ થવાના સંજોગોમાં તેજી તરફ નવો વિશ્ર્વાસ ઉભો થવાનું સ્પષ્ટ છે. મોટા પ્રમાણમાં વેચાણ કાપણી આવતા તેજીને વધુ જોર મળી ગયું હતું આવતા દિવસોમાં યુદ્ધ મામલે કેવા વળાંક આવે છે અને કેવા ઘટનાક્રમો સર્જાય છે તેના પર ભાવિ ચાલનો આધાર રહેવાની સંભાવના છે.શેરબજારમાં આજે શ્રીરામ ફાયનાન્સ, કલ્યાણ જ્વેલર્સ, પીઆઇ ઇડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ભારતીય એરટેલ, સમ્માન કેપીટલ, લાર્સન, વોડાફોન, યસ બેંક, સુઝલોન, અરવિંદો ફાર્મા, ટાટા કેપીટલ, પતંજલી જેવા શેરો ઉંચકાયા હતા. ઓઇલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્ર જેવા શેરોમાં ઘટાડો હતો. એનએસઇમાં 2555 શેરોમાં સુધારો હતો. 436માં ઘટાડો હતો.મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1659 પોઇન્ટ વધીને 75727 હતો જે ઉંચામાં 75849 તથા નીચામાં 74550 હતો. નીફટી 531 પોઇન્ટ વધીને 23443 હતો જે ઉંચામાં 23465 તથા નીચામાં 23063 હતો. બેન્ક નીફટી 1452 પોઇન્ટ અને મીડકેપ ઇન્ડેક્સ 1560 પોઇન્ટનો ઉછાળો સુચવતા હતા.સોના-ચાંદીમાં પણ જોરદાર તેજી હતી. વિશ્ર્વ બજારમાં સોનુ 90 ડોલર વધીને 4563 ડોલર સાંપડ્યું હતું. લોકલ માર્કેટમાં હાજર સોનુ 5050 વધીને 150300 અને વાયદામાં 5100 રૂપિયા વધીને 144200 હતું. ચાંદી હાજરમાં 10400 વધીને 243300 અને વાયદામાં 12300 વધીને 236240 હતી.ક્રૂડ તેલમાં જબ્બર કડાકો સર્જાયો હતો. હોર્મુઝ ખાડી ખુલવાના સંજોગોમાં પેટ્રોલીયમ પરિવહન સરળ બની રહેશે તેવા નિર્દેશોથી ભાવ તૂટ્યા હતા. ડબલ્યુટીઆઇ ક્રૂડ 6 ટકા ઘટીને 86.92 ડોલર તથા બ્રેન્ટક્રૂડ 7 ટકા ઘટીને 97.85 ડોલર સાંપડ્યું હતું.