શેરબજાર બંધ છતાં ગીફટ નીફટી બપોરે 100 પોઇન્ટ ડાઉન
અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચેના યુધ્ધમાં સમાધાન માટે વાટાઘાટોનો તખ્તો તૈયાર થયાના સંકેતોથી છેલ્લા બે દિવસ દરમ્યાન ક્રુડ તેલના ભાવ તૂટ્યા હતા પરંતુ આજે ફરી ઉછાળો નોંધાયો હતો અને બ્રેન્ટક્રુડ 106 ડોલર પર પહોંચી ગયું હતું. બીજી તરફ સોના-ચાંદીમાં ગાબડા પડ્યા હતા.
અમેરિકા દ્વારા શરતી યુધ્ધ વિરામની દરખાસ્ત ફગાવી દઇને ઇરાને યુદ્ધ ચાલુ રાખવાનું એલાન કરતાં ક્રુડ માર્કેટમાં ફરી વખત ગભરાટભરી હાલત સર્જાઇ હતી અને ભાવમાં ઉછાળો નોંધાયો હતો. આજે બપોરે ડબલ્યુટીઆઇ ક્રુડ 93.45 ડોલર હતું જ્યારે બ્રેન્ટક્રુડ 106.26 ડોલર થઇને 105.89 ડોલર સાંપડ્યું હતું. જાણકારોના કહેવા પ્રમાણે યુધ્ધનો કોઇ અંત ન આવે તો ભાવમાં ફરી વખત મોટો ઉછાળો આવી શકે છે.
બીજી તરફ સોના-ચાંદીમાં ફરી વખત ગાબડા પડ્યા હતા યુધ્ધ અટકવાની શક્યતા ધુંધળી બનવા લાગતા માર્કેટ ગગડ્યું હતું. ભારતીય માર્કેટ આજે બંધ હતું પરંતુ વિશ્ર્વ બજારમાં સોનુ 100 ડોલર જેટલું ગગડી ગયું હતું અને 4432 ડોલર સાંપડ્યું હતું. રાજકોટમાં હાજર સોનુ 7000 રૂપિયાના ગાબડાથી 143200 હતું. આજ રીતે ચાંદી 11300ના ઘટાડાથી 2.32 લાખ હતી. વિશ્ર્વ બજારમાં ભાવ 69.45 ડોલર હતો. દરમિયાન રામનવમીની રજાના કારણોસર આજે ભારતીય શેરબજાર બંધ હતું પરંતુ યુદ્ધ મોરચે પ્રવર્તમાન ઘટનાક્રમને ધ્યાનમાં લેવામાં આવે તો આવતીકાલે મંદીમાં રહેવાની આશંકા છે. કારણ કે આજે ગીફટ નીફટીમાં 101 પોઇન્ટનો ઘટાડો હતો. આજે બપોરે ગીફટ નીફટી 23177 હતી. અમેરિકન માર્કેટ ઉપરાંત બ્રિટન-જર્મન સહિતના યુરોપીયન માર્કેટો પણ મંદીમાં રહ્યા હતા. જાપાન, સિંગાપુર, હોંગકોંગ જેવા એશિયન માર્કેટો પણ રેડઝોનમાં જ હતા.