Jai Hind

શેરબજાર ફરી ફસક્યુ રૂપિયો તુટયો, ક્રુડમાં ઉછાળો

ક્રુડ તેલ ફરી 97 ડોલરે પહોંચી ગયુ: રૂપિયો 18 પૈસા ડાઉન

મધ્ય પૂર્વમાં યુધ્ધ વિરામ જાહેર થયાના પગલે શેરબજારમાં ગઇકાલે સર્જાયેલી તોફાની તેજી બાદ આજે માહોલ ફરી પલ્ટાઇ ગયો હતો. માર્કેટ ફરી મંદીમાં સરકી ગયું હતું. સોના-ચાંદીમાં પણ સમાન સ્થિતિ હતી. ડોલર સામે કેટલાક દિવસથી સ્ટ્રોંગ બનતો રૂપિયો નબળો પડયો હતો. જયારે ક્રુડ તેલમાં ઉછાળો નોંધાયો છે.
યુધ્ધ વિરામની જાહેરાત પછી અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફરી તણાવનો માહોલ સર્જાતા અને હાકલા પડકારા શરૂ થતા માનસ સાવચેતીનું બની ગયું હતું. આવતીકાલે પાકિસ્તાનમાં યોજાનારી શાંતિ બેઠક વિશે પણ શંકા વ્યકત થવા લાગતા ગભરાટ સર્જાયો હતો. વિદેશી નાણાં સંસ્થાઓ પણ સતત વેચવાલ હોવાના કારણે ખચકાટ હતો. યુધ્ધ વિરામ સંધીમાં કોઇ અવરોધ ઉભો થાય અને નવેસરથી યુધ્ધની સ્થિતિ સર્જાવાના સંજોગોમાં હાલત અત્યાર સુધીની સૌથી ખરાબ બની જવાની દહેશત વ્યકત થવા લાગી હતી અને તેના કારણે માર્કેટમાં નવી લેવાલીને બ્રેક લાગી ગઇ હતી. માનસ સાવધાનીનું બની ગયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધ વિરામની શરતો વિશે વિરોધાભાસી રીપોર્ટ ઉપરાંત આવતીકાલે મંત્રણા કેવી રીતે આગળ વધે છે સહિતની બાબતો આવતા દિવસોમાં માર્કેટને અસરકર્તા સાબિત થશે.
શેરબજારમાં આજે એન્જલ-1, હિટાચી, ભેલ, હિન્દાલકો, બીએસઇ, આનંદ રાઠી જેવા શેરોમાં સુધારો હતો જયારે ઇન્ડીગો, જિયો ફાયનાન્સ, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, વોડાફોન, યસ બેંક, સુઝલોન, બોમ્બે સુપર જેવા શેરોમાં ગાબડા પડયા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેકસ 1009 પોઇન્ટના કડાકાથી 76553 હતો જે ઉંચામાં 77429 તથા નીચામાં 76347 હતો. નિફટી 260 પોઇન્ટ ગગડીને 23738 હતો જે ઉંચામાં 23990 તથા નીચામાં 23682 હતો. સોના-ચાંદીમાં પણ માનસ સાવચેતીનું બન્યું હતું. વિશ્ર્વ બજારમાં સોનુ 47ર9 ડોલર હતું. વાયદામાં 152040 હતું જયારે હાજર સોનુ 2000 ઘટીને 154600 થયું હતું. હાજર ચાંદી 7700ના ઘટાડાથી 242900 હતી. ચાંદી વાયદામાં 237280 હતી. નવેસરના તનાવની અસરે ક્રુડ તેલમાં ફરી તેજી થઇ હતી. ડબલ્યુટીઆઇ ક્રુડ 97.40 ડોલર તથા બ્રેન્ટ ક્રુડ 97.54 ડોલર સાંપડયુ હતું. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો ફરી ગગડયો હતો અને 18 પૈસાના ઘટાડાથી 9ર.77 સાંપડયો હતો.