તમામ ક્ષેત્રના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલી: સ્ોન્સ્ોક્સ ૭૮૦૦૦ તથા નિટી ૨૪૦૦૦ વટાવી ગયા
અમેરિકા-ઇરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા પછી પણ વધુ બેઠક થવાની શક્યતા વચ્ચે યુધ્ધ તૂર્તમાં સમાપ્ત થઇ જવાના દાવાને પગલે શેરબજારમાં આજે 1400 પોઇન્ટનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. ઇન્વેસ્ટરોની સંપત્તિમાં અંદાજીત પાંચ લાખ કરોડની વૃદ્ધિ થઇ હતી. ક્રૂડતેલ 96 ડોલર પર ધસી ગયું હતું.
શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી પણ ફરી યુધ્ધ કે હુમલા ચાલુ ન થતાં હાશકારો હતો જ તેવા સમયે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુધ્ધ વહેલી તકે અને તૂર્તમાં જ પૂર્ણ થઇ જવાનો દાવો કરતા માર્કેટમાં પોઝીટીવ અસર હતી. અમેરિકા, યુરોપ તથા એશિયન બજારોની તેજીના પ્રભાવ હેઠળ માર્કેટમાં શરુઆત જ ટોપ અપ હતી અને ઓલરાઉન્ડ લેવાલીના જોરે તેજી આગળ ધપતી રહી હતી. ક્રૂડતેલના ભાવ નીચા આવતા અને કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો ફરી મજબૂત બનતા તેજીને ટેકો મળી ગયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધના સંકેતો જ માર્કેટમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. નવા સંકટની આશંકા ઉભી થાય તો માર્કેટ નીચે ખાબકે છે અને ઉકેલની આશા બંધાય તો સડસડાટ કરતું ઉંચે પહોંચી જાય છે. યુધ્ધનું ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ટ્રેન્ડ નિશ્ર્ચિત થઇ શકે તેમ નથી અને બેતરફી વધઘટ આવતી રહેવાનો ઇન્કાર ન થઇ શકે.
શેરબજારમાં આજે લાર્જકેપથી માંડીને મીડકેપ-સ્મોલકેપ શેરોમાં પણ ધૂમ લેવાલી વચ્ચે તેજી હતી. સુઝલોન, સિમેન્સ, આઇનોકસ, એચડીએફસી બેંક, રિલાયન્સ, વોડાફોન, યસ બેંક, કિલોસ્કર ઓઇલ, ટાટા કેપીટલ, પતંજલી, વારી એનર્જી જેવા શેરોમાં ઉછાળો હતો. ઓઇલ ઇન્ડિયા, ઇન્ડીયન બેંક, ડો.રેડ્ડી, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતી એરટેલ જેવા શેરો નબળા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 1269 પોઇન્ટના ઉછાળાથી 78117 સાંપડ્યો હતો તે ઉંચામાં 78270 તથા નીચામાં 77849 થયો હતો. નિફટી 391 પોઇન્ટના ઉછાળાથી 24233 હતો તે ઉંચામાં 24280 તથા નીચામાં 24145 થયો હતો.યુધ્ધ અટકાવાના આશાવાદ તથા આવતા મહિનાઓમાં ડીમાંડમાં મોટોકાપ આવવાના રીપોર્ટથી ક્રૂડતેલ પણ ફરી 100 ડોલરની નીચે ઉતરી ગયું હતું. ડબલ્યુટીઆઇ ક્રૂડનો ભાવ 91.50 ડોલર તથા બ્રોન્ટ ક્રૂડનો ભાવ 96ડોલર હતો. સોના-ચાંદીમાં મોડીરાત્રે જોરદાર તેજી થયા બાદ સવારે ભાવ થોડા નબળા પડ્યા હતા.