Jai Hind

શાંતિ વાટાઘાટો પાટે ન ચડતા ગભરાટ સેન્સેક્સમાં વધુ 850 પોઇન્ટનો કડાકો: રૂપિયાએ 94નું લેવલ તોડ્યું-32 પૈસા તૂટ્યો: સોના-ચાંદીમાં ગાબડા

સોનામાં 1300 તથા ચાંદીમાં 5900નો ઘટાડો: ડોલર સામે રૂપિયો 94.11

મધ્ય પૂર્વના યુધ્ધમાં સીઝફાયર ચાલુ હોવા છતાં શાંતિવાર્તાની ગાડી પાટે ન ચડતા અને ઇરાન દ્વારા જહાજો પર હુમલાના ઘટનાક્રમનો શેરબજાર સહિતની માર્કેટોમાં પ્રત્યાઘાત પડ્યો હતો. શેરબજાર-સોના-ચાંદી તથા રૂપિયામાં વધુ ગાબડા પડ્યા હતા. જ્યારે ક્રૂડતેલ ફરી 100 ડોલરની ઉપર પહોંચી ગયું હતું જેને પગલે મોંઘવારી-અર્થતંત્ર પર અસર થવાની આશંકા નવેસરથી ઉભી થઇ હતી.
અમેરિકા-ઇરાન વચ્ચે યુધ્ધમાં સીઝફાયરથી રાહત હોવા છતાં વાટાઘાટો આગળ ધપાવવા મામલે મડાગાંઠ ઉકેલાતી ન હોવાથી નવો ભડકો-તણાવ સર્જાવાની આશંકાથી શેરબજાર ફરી ગભરાટમાં સપડાયું હતું. આજે શરૂઆત નબળા ટોને થયા પછી વેચવાલીનો મારો ચાલુ જ રહેવાની અસરે મોટાભાગના શેરો સતત નીચે સરકતા રહ્યા હતા. યુધ્ધ ઉપરાંત ક્રૂડની તેજી, રુપિયાની નબળાઇનો પણ પ્રત્યાઘાત હતો. ચૂંટણી પછી પેટ્રોલ-ડિઝલમાં મોટો ભાવવધારો થવાની વાત ફેલાયાનો ગભરાટ હતો. સરકારે આ વાત નકારી કાઢી હોવા છતાં હોર્મુઝ સંકટ દુર ન થાય તો ભાવવધારા સિવાય વિકલ્પ નહીં રહેવાનું મનાતું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધ વિશે સંભવિત ઘટનાક્રમો માર્કેટને મંદીમાં ડુબાડી રહ્યા છે. ચિત્ર સ્પષ્ટ થતાં સુધી ગભરાટ-અસ્થિરતાનો માહોલ દુર થાય તેમ નથી.
શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા હતા. મંદી બજારે પણ ડો. રેડ્ડી, ઓરેકલ ફાઇનાન્સીયલ, પિરામલ ફાર્મા, સીપ્લા, વોડાફોન, જીયો ફાઇનાન્સીયલ, વેલસ્પન, ડેલ્ટા પેટર્ન, શ્યામ ટેલીકોમ, ટાટા કેપીટલ, વારી એનર્જી જેવા શેરોમાં સુધારો હતો. યુનિયન બેંક, હવેલ્સ અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર્સ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, સુઝલોન, એચસીએલ ટેકનો, પતંજલી વગેરેમાં ગાબડા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 733 પોઇન્ટના ઘટાડાથી 77782 રહ્યો હતો તે ઉંચામાં 78178 તથા નીચામાં 77650 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 166 પોઇન્ટ ઘટીને 24211 હતો તે ઉંચામાં 24310 તથા નીચામાં 24134 હતો. યુધ્ધ તનાવની અસરે ક્રૂડમાં તેજી હતી. સરેરાશ બે ટકાથી વધુનો ભાવવધારો હતો. વિશ્ર્વ બજારમાં ડબલ્યૂટીઆઇ ક્રૂડ 94.97 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 103.93 ડોલર હતું.
કરન્સી માર્કેટ ડોલર સામે રુપિયો વધુ તૂટ્યો હતો અને 94નું લેવલ તોડ્યું હતું. ડોલર સામે રુપિયો 32 પૈસા ઘટીને 94.11 હતો.સોના-ચાંદીમાં મંદી હતી. હાજર સોનુ 1300 તૂટીને 155700 હતું. જ્યારે વાયદામાં 650 ઘટીને 152000 તથા વાયદામાં 242950 હતી.