Jai Hind

અમેરિકી ફ્રોડમાં સમાધાન કરવા 18 મીલીયન ડોલર ચુકવવા અદાણી ગ્રુપ તૈયાર

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિમાં સ્થાન ધરાવતા ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે કેસ બંધ થશે

દેશના ટોચના ઉદ્યોગ ગૃહ અદાણી સામે અમેરિકામાં સિક્યુરીટી એન્ડ એક્સચેંજ કમીશન દ્વારા જે લાંચનો કેસ કરાયો છે તેમાં ગ્રુપના વડા ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી રૂા.1.8 કરોડ ડોલરનો દંડ આપીને કેસ પુરો કરવા માટે સહમતિ બતાવી છે. અદાણી ગ્રીન એનર્જી લી.એ આ ઓફર અમેરિકી કમિશન સમક્ષ કરી છે. ન્યુર્યોકની અદાલતમાં ચાલી રહેલો કેસ પણ બંધ કરવામાં આવશે અને જો આ સેટેલમેન્ટ થઇ જાય તો અદાણી ગ્રુપ માટે મોટી રાહત હશે અને આ ગ્રુપ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય નાણાંકીય બજારમાં પોતાના ભવિષ્યના આયોજન માટે ભંડોળ ઉઘરાવી શકશે. આ સેટેલમેન્ટ હેઠળ ગૌતમ અદાણી 60 લાખ ડોલર અને તેના ભત્રીજા સાગર અદાણી 1.20 કરોડ ડોલરની ચૂકવણી કરશે. ગઇકાલે આ અંગેનો એક કરાર ન્યુર્યોકની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ જ રીપોર્ટ આવી ગયા હતા કે અમેરિકાનો ન્યાય વિભાગ ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સામે ફ્રોડનો જે કેસ છે તે બંધ કરવા જઇ રહી છે. દેશના કોઇ ટોચના ઉદ્યોગપતિ સામે આ પ્રકારે ફ્રોડના સૌથી ગંભીર અપરાધ અદાણી ગ્રુપ સામે મુકવામાં આવ્યા હતા અને તેમાં તેમની સામે વોરંટ પણ કાઢવામાં આવ્યું હતું પરંતુ ભારત સરકારે આ વોરંટની બજવણી કરી ન હતી તથા અદાણી ગ્રુપને સેટલમેન્ટ કરવા સમય મળે તે નિશ્ર્ચિત કર્યું હતું.અમેરિકાના સિક્યુરીટી એન્ડ કમિશન એક્સચેંજનો આરોપ હતો કે ગૌતમ અદાણીએ અમેરિકામાં કરાર સહી કરવા માટે કરોડો ડોલરની લાંચ આપવાની ઓફર કરી હતી જેના કારણે અદાણી ગ્રુપને ભારતમાં દેશના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટ લગાવવાની પ્રક્રિયા સરળ થઇ શકે તેમ હતી.