Jai Hind

સમાધાનની શરતો: અદાણી ગ્રુપ અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરી 15000 નોકરી આપશે

ટ્રમ્પના ખાસ ધારાશાસ્ત્રીએ સમાધાન શકય બનાવ્યું: વોશિંગ્ટનમાં ગુપ્ત બેઠક મળી હતી

ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં થયેલા ફ્રોડ કેસમાં સમાધાન માટે તેણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ વકીલને રોકયા હોવાનું બહાર આવ્યુ છે અને તેની સાથે અદાણી અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ અને 15 હજાર નોકરી આપવાની ખાતરી પણ આપી હતી ત્યારબાદ તેમના સમાધાનને મંજુરી અપાઈ હતી. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ટ્રમ્પના ખાસ નજીક ગણાતા ધારાશાસ્ત્રી રોબર્ટ ગિફ્રાની કાનુની ટીમ અદાણીની મદદ માટે હતી અને આ દિગ્ગજ વકીલની કંપની ઉપરાંત સુલીવન એન્ડ ક્રોમવેલ જેવી પ્રતિષ્ઠિત ફર્મ જે ગિફ્રા ચલાવે છે તે પણ અદાણીની મદદમાં આવી હતી. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે વોશિંગ્ટનમાં ન્યાય વિભાગના વડા મથકે એક ગુપ્ત બેઠક યોજાઈ હતી જેમાં 100 સ્લાઈડ મારફત એવી દલીલ કરવામાં આવી કે અદાણી સામેના કેસમાં મજબૂત પુરાવા નથી અને સમાધાનની તૈયારી છે જેમાં અદાણી ગ્રુપ અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે અને 15 હજાર નોકરીઓ આપશે તેવી લેખિત ખાતરી આપવામાં આવી હતી.