ત્રણેક મહિનાથી ચાલતા યુધ્ધ-સીઝ ફાયર બાદ અમેરિકા-ઇરાન વચ્ચે છેવટે શાંતિ સમજુતી થઇ જવાની સાથે જ શેર, સોના-ચાંદી, કરન્સી જેવી માર્કેટોમાં બંબાટ તેજી થઇ હતી જ્યારે ક્રુડતેલમાં કડાકો સર્જાયો હતો. શેરબજારમાં ઇન્વેસ્ટરોની સંપત્તિમાં આઠ લાખ કરોડનો વધારો થયો હતો.
મધ્ય પૂર્વમાં ભીષણ યુધ્ધ બાદ સીઝફાયર અને શાંતિ વાટાઘાટો વચ્ચે પણ હુમલા ચાલુ રહેતા ગમે ત્યારે નવો ભડકો સર્જાવાની આશંકા વ્યક્ત થતી હતી પરંતુ તમામ વિવાદો ઉકેલીને અમેરિકા-ઇરાને સમજુતી કરી લીધાનું જાહેર કરતા માર્કેટ સળગ્યા હતા. શેરબજારમાં શરૂઆત જ ટોપ-અપ હતી. ઓલરાઉન્ડ લેવાલીથી તમામ ક્ષેત્રોના શેરોમાં જોરદાર તેજી થઇ હતી. ઇન્વેસ્ટરોથી માંડીને નાણાં સંસ્થાઓ સહિત તમામ વર્ગો લેવાલ બન્યા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે તેજી આડે મુખ્યત્વે યુધ્ધનું જ વિઘ્ન હતું જે દુર થતાં માર્કેટ સળગી ઉઠયું હતું. ગત શુક્રવારે પણ 1800 પોઇન્ટની તેજી થઇ હતી. બે દિવસમાં 3000 પોઇન્ટ વધી ગયા છે.
શેરબજારમાં લગભગ તમામ શેરો ઉચકાયા હતા. ફોર્સ મોટર્સ, અશોક લેલેન્ડ, એચડીએફસી બેંક, રીલાયન્સ, બીએસઇ, લાર્સન, વોડાફોન, યસ બેંક, સુઝલોન, અપાર ઇન્ડ., આઇએફસીઆઇ, એચએફસીએલ, પતંજલી, ટાટા કેપિટલ, વારી એનર્જી વગેરે ઉછળ્યા હતા. તેજી બજારે પણ અરવિંદો ફાર્મા, ઓઇલ ઇન્ડિયા, બાયોકોન જેવા કેટલાંક શેરો નબળા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 76000ની સપાટી કુદાવી ગયો હતો. 1000 પોઇન્ટના ઉછાળાથી 76528 સાંપડ્યો હતો તે ઉંચામાં 76821 તથા નીચામાં 76317 થયો હતો. નિફટી 301 પોઇન્ટ વધીને 23924 હતો તે ઉંચામાં 24011 તથા નીચામાં 23865 હતો.
સોના-ચાંદીમાં જોરદાર તેજી હતી. વિશ્ર્વ બજારમાં સોનુ 116 ડોલરના ઉછાળાથી 4338 ડોલર હતો. ભારતીય માર્કેટમાં વાયદામાં 2825 રૂપિયા વધીને 1535350 થયું હતું. હાજર સોનુ 155550 હતું. હાજર ચાંદી 258200 હતી. વાયદામાં 6800 વધીને 253000 થઇ હતી.
