Jai Hind

6G ટેક્નોલોજી અપનાવવામાં ભારત અગ્રણી દેશોમાં સ્થાન મેળવી શકે છે: જિયો

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026માં જિયોની ‘ગીગા મીમો રેડિયો’ ટેક્નોલોજીનું પ્રદર્શન

ભારતની અગ્રણી ટેલિકોમ કંપની જિયો હવે 6-જી ટેક્નોલોજીના યુગમાં પ્રવેશવા સજ્જ થઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ 2030માં 6-જીનાં વૈશ્વિક ધોરણો નક્કી થયા બાદ આ અદ્યતન ટેક્નોલોજીનો પ્રારંભ કરનારા અગ્રણી દેશોમાં ભારત સ્થાન મેળવી શકે છે.જિયોએ 6જી પૂર્વેની ટેક્નોલોજી આધારિત પોતાની ‘પ્રી-6જી સ્ટેક’ સિસ્ટમ અને ‘ગીગા મીમો રેડિયો’ વિકસાવ્યાં છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઈએમસી) 2026માં આ બન્ને અદ્યતન ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
જિયોના જણાવ્યા અનુસાર, 6જી નેટવર્કની ક્ષમતા હાલના 5જી નેટવર્કની સરખામણીએ પાંચ ગણી વધુ ઝડપી બની શકે છે, જ્યારે નેટવર્કમાં વિલંબ (લેટન્સી) ઘટાડીને લગભગ દસમા ભાગનો કરવાનો લક્ષ્યાંક છે.સરળ શબ્દોમાં કહીએ તો, 6જી નેટવર્ક એકસાથે વધુ પ્રમાણમાં ડેટાની આપ-લે કરી શકવાની સાથે એકસમાન સમયમાં એકથી વધુ વપરાશકર્તાઓને વધુ ઝડપી સેવા આપી શકશે. એટલું જ નહીં, હાલની સરખામણીએ વધુ ઝડપથી કોઈ પણ આદેશનો પ્રતિસાદ પણ આપી શકશે. સાથે જ, 6જીમાં ડેટાની ઝડપમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.આ પ્રગતિથી રિયલ-ટાઇમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈં), હોલોગ્રાફિક વીડિયો, આરોગ્યસેવા, શિક્ષણ અને નવી પેઢીની અન્ય ડિજિટલ સેવાઓમાં નવી ઉપલબ્ધિઓના દ્વાર ખૂલી શકે છે.
આઈએમસીમાં જિયોના પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ તેની ‘ગીગા મીમો રેડિયો’ ટેક્નોલોજી છે, જેને કંપની ભારતની પ્રથમ ટેક્નોલોજી ગણાવે છે. જિયોએ એક એવું સંયુક્ત બેઝબેન્ડ યુનિટ પણ રજૂ કર્યું છે, જે 5જી અને 6જી બંને ટેક્નોલોજીને સપોર્ટ કરી શકે છે.
આ તકે, ઉલ્લેખનીય છે કે, 6જીની દિશામાં આગળ વધવાની સ્પર્ધા માત્ર નેટવર્કની વધુ ક્ષમતા કે ઝડપી પ્રતિસાદ સમય પૂરતી મર્યાદિત રહેતી નથી. તેમાં આગામી પેઢીની કનેક્ટિવિટીનું સ્વરૂપ નક્કી કરનારી ટેક્નોલોજી વિકસાવવામાં અને તેના વૈશ્વિક ધોરણો ઘડવામાં યોગદાન આપવું પણ એટલું જ મહત્વપૂર્ણ રહેશે.જિયોના જણાવ્યા અનુસાર, કંપનીએ 6જી સંબંધિત સેંકડો પેટન્ટ સહિત 8,000થી વધુ પેટન્ટ માટે અરજીઓ કરી છે. વૈશ્વિક ધોરણોના નિર્ધારણમાં પણ કંપનીએ 934થી વધુ યોગદાન આપ્યાં હોવાનો દાવો કર્યો છે.
જિયોને અપેક્ષા છે કે 6જી ટેક્નોલોજીથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એેઆઈં) આધારિત સેવાઓ વધુ ઝડપી અને પ્રતિભાવશીલ બનશે. ખાસ કરીને, જ્યાં ત્વરિત માહિતી અને સચોટ જવાબો મેળવવા જરૂરી હોય તેવા સંજોગોમાં આ ટેક્નોલોજી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આઈએમસીમાં જિયોએ ખેડૂતો, તબીબો અને વિદ્યાર્થીઓ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈં) આધારિત સેવાઓની પ્રતિબદ્ધતાઓ પણ રજૂ કરી હતી.