બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ (Love and War) આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જેવા સ્ટાર્સથી સજેલી આ ફિલ્મ સાથે જોડાયેલા એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં ફિલ્મના શૂટિંગ સેટ પર કરંટ લાગવાના કારણે એક ટેકનિશિયનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
કેવી રીતે બની આ ઘટના?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈના ગોરેગાંવમાં આવેલા રોયલ પંપ સ્ટુડિયોમાં ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. ગત ૧૭ જૂને વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ સેટ પર શોર્ટ સર્કિટ થવાના કારણે ૪૨ વર્ષીય સુથાર (કાર્પેન્ટર) ચંદ્રધારી યાદવને જોરદાર વીજળીનો કરંટ લાગ્યો હતો, જેના લીધે તેમનું મૃત્યુ થયું હતું. મૃતક ચંદ્રધારીના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરીઓ છે.
પીડિત પરિવારને ₹૪૦ લાખની સહાય
આ કમનસીબ ઘટના બાદ ફિલ્મ જગતના મજદૂર સંગઠનો (FWICE અને FSSAMU) એ મૃતકના પરિવારની વહારે આવીને ભણસાલી પ્રોડક્શનનો સંપર્ક કર્યો હતો. સંસ્થાની રજૂઆત બાદ ભણસાલી પ્રોડક્શન્સે માનવતા દાખવીને પીડિત પરિવારને આર્થિક સહાય તરીકે ૪૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જો કે, આ મામલે હજુ સુધી પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ?
તમને જણાવી દઈએ કે ‘લવ એન્ડ વોર’ એક ભવ્ય પીરિયડ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૭માં પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુઆરી) નિમિત્તે સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે. રણબીર અને આલિયાની લગ્ન પછી આ બીજી ફિલ્મ હશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
