દક્ષિણ ભારતના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ “ફૌજી”ના સેટ પર એક ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન પીઢ અભિનેતા રાજેશ શર્માને કોઈ ઝેરી કરોળિયો કે જંતુ કરડી જતાં તેમના પગમાં ગંભીર ઇન્ફેક્શન (ચેપ) લાગી ગયું છે. હાલમાં તેઓ કોલકાતાની મણિપાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. આ ઘટનાને પગલે બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કલાકારોની સુરક્ષાને લઈને મોટા સવાલો ઊભા થયા છે.
કેવી રીતે બની આ ઘટના?
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં શૂટિંગ દરમિયાન ઘટી હતી. શૂટિંગ પૂરું થયા બાદ રાજેશ શર્મા સેટની નજીક આવેલા ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં કેટલાક લોકલ ટેકનિશિયનો સાથે વાતચીત કરી રહ્યા હતા. એ સમયે તેમના પગમાં કોઈ અજ્ઞાત જંતુએ ડંખ માર્યો હતો. શરૂઆતમાં સામાન્ય દુખાવો સમજીને તેમણે આ બાબતને અવગણી હતી.
પરંતુ, ઘટનાના આશરે 6 કલાક બાદ તેમની તબિયત બગડવા લાગી હતી. કોલકાતાની ફ્લાઇટ દરમિયાન તેમને અસહ્ય દુખાવો અને ભારે તાવ આવી ગયો હતો. કોલકાતા પહોંચતા જ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ઝેરી ઇન્ફેક્શન અંગૂઠાથી લઈને ઘૂંટણ સુધી ફેલાઈ ગયું છે અને પગ પર મોટા ફોલ્લા પડી ગયા છે. લોહીમાં આ ચેપ વધુ ન ફેલાય તે માટે ડૉક્ટરો સતત દેખરેખ રાખી રહ્યા છે.
AICWA એ પ્રોડક્શન હાઉસ સામે ઉઠાવ્યા સવાલ
આ ઘટનાને લઈને ‘ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન’ (AICWA) ના પ્રમુખ સુરેશ શ્યામલ ગુપ્તાએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે રાજેશ શર્માની સ્થિતિ સેટ પર જ બગડી રહી હતી, ત્યારે પ્રોડક્શન હાઉસે તેમને તાત્કાલિક હોસ્પિટલ કેમ ન ખસેડ્યા? શું સેટ પર પ્રાથમિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી?
મુખ્યમંત્રી સમક્ષ તપાસની માંગ
AICWA દ્વારા તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી સેટ પર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તે જાણી શકાય. આ સાથે જ એસોસિએશને માગ કરી છે કે ‘ફૌજી’ ફિલ્મના નિર્માતાઓ રાજેશ શર્માની સારવારનો તમામ ખર્ચ ઉઠાવે.
બીજી તરફ, રાજેશ શર્માના પરિવારે મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ આર્ટિસ્ટ ફોરમ, ચાહકો અને પીઢ અભિનેતા પ્રોસેનજીત ચેટર્જીનો આભાર માન્યો છે.