જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની કોર્ટે ચેક બાઉન્સના કુલ ૭ અલગ-અલગ કેસોમાં સુનાવણી કરતા રાજપાલ યાદવને ૩ મહિનાની સાદી કેદની સજા આપી છે. આ તમામ સજાઓ એકસાથે ભોગવવાની હોવાથી તેમણે કુલ ૩ મહિના જેલમાં વિતાવવા પડશે. જેલની સજા ઉપરાંત કોર્ટે દરેક કેસ દીઠ ₹૧.૦૫ કરોડ લેખે કુલ ₹૭.૩૫ કરોડનો જંગી દંડ પણ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી ફરિયાદી કંપનીને ₹૧ કરોડ ૪ લાખ ૭૫ હજાર અને રાજ્ય સરકારને ₹૨૫ હજાર ચૂકવવામાં આવશે.
વારંવાર તક આપવા છતાં ચૂકવણું ન કર્યું
અદાલતે નોંધ્યું હતું કે રાજપાલ યાદવને પોતાની લોન ભરપાઈ કરવા અને કોર્ટ સમક્ષ આપેલા વચનો પાળવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. અગાઉ ૨ એપ્રિલના રોજ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજપાલ યાદવના બદલાતા નિવેદનો અને સોગંદનામા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
શા માટે સમાધાન ન થઈ શક્યું?
ફરિયાદી કંપનીના વકીલ અવનીત સિંહ સિક્કાએ દલીલ કરી હતી કે માત્ર જેલ ભોગવવાથી નાણાકીય જવાબદારી પૂરી થતી નથી. કોર્ટની મધ્યસ્થતાથી ફરિયાદી કંપની અંતિમ પતાવટ તરીકે ₹૬ કરોડ લેવા પણ તૈયાર થઈ ગઈ હતી. કોર્ટે રાજપાલ યાદવને ₹૩ કરોડના હપ્તા ચૂકવવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ અભિનેતાએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. રાજપાલ યાદવે કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની મિલકતો વેચીને અગાઉ મોટી રકમ ચૂકવી ચૂક્યા છે અને હવે વધુ આર્થિક નુકસાન સહન કરવાની સ્થિતિમાં નથી. બંને પક્ષો વચ્ચે સહમતિ ન સધાતા આખરે કોર્ટે તેમને જેલ ભેગા કરવાનો હુકમ કર્યો છે.