Jai Hind

અભિનેતા પ્રદીપ રાવત પંચમહાભૂતમાં વિલીન: પુત્ર વિક્રમ પિતાની અંતિમ વિદાય વખતે અત્યંત ભાવુક થયો

સિનેમા જગતમાં પોતાના દમદાર અને જીવંત અભિનયથી અનોખી છાપ છોડનારા સિનિયર એક્ટર પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. મુંબઈના ગોરેગાંવ સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં ફિલ્મ ઉદ્યોગના અગ્રણીઓ અને ચાહકોએ તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. અંતિમવિધિ દરમિયાન સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. તેમના મુખાગ્નિ પુત્ર વિક્રમાદિત્ય રાવતે આપ્યા હતા, જ્યાં પિતાને વિદાય આપતી વખતે તેઓ પોતાના આંસુ રોકી શક્યા નહોતા. આ મુશ્કેલ સમયમાં હાજર રહેલા સગા-સંબંધિઓ અને સાથી કલાકારોએ પરિજનોને સાંત્વના પાઠવી હતી.દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા બોલિવૂડના અનેક સિતારાઓ પહોંચ્યા હતા. ‘લગાન’ ફિલ્મમાં સાથે કામ કરનાર આમીર ખાન અને ડિરેક્ટર આશુતોષ ગોવારીકર અંતિમ દર્શન વખતે ભાવુક જણાયા હતા. આ સિવાય રઝા મુરાદ, પ્રોડ્યુસર આનંદ પંડિત, ચાઇલ્ડ આર્ટિસ્ટ રૂહાનિકા ધવન અને તેમના પરમ મિત્ર યશપાલ શર્મા સહિતના કલાકારોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. યશપાલ શર્માએ સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચાર શેર કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રદીપ રાવતે પોતાના અંગત જીવનને હંમેશા ઝગમગાટથી દૂર અને સાદગીપૂર્ણ રાખ્યું હતું. તેમના પરિવારમાં પત્ની કલ્યાણી રાવત અને પુત્ર વિક્રમાદિત્ય છે. તેમની પત્ની તેલુગુ પરિવારમાંથી આવે છે અને ફિલ્મ ગ્લેમરથી દૂર રહેવાનું પસંદ કરે છે. બી. આર. ચોપરાના પ્રખ્યાત ટીવી શો “મહાભારત”માં અશ્વત્થામાના પાત્રથી ઘર-ઘરમાં જાણીતા બનેલા પ્રદીપ રાવતે હિન્દી, તમિલ અને તેલુગુ સિનેમામાં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ‘સરફરોશ’, ‘લગાન’ અને ખાસ કરીને ‘ગજની’ ફિલ્મમાં તેમના ખલનાયકના પાત્રને દર્શકો ક્યારેય ભૂલી શકશે નહીં. તાજેતરમાં તેમણે વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.