બોલિવૂડમાં એક ખૂબ જ મોટા અને ઐતિહાસિક પ્રોજેક્ટની જાહેરાત થઈ છે. જાણીતા ફિલ્મમેકર અનુભવ સિંહા અને સુધીર મિશ્રા આપણી આઝાદીની લડતના એક એવા કિસ્સાને મોટા પડદા પર લાવવા જઈ રહ્યા છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ ખાસ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિજેતા એક્ટર મનોજ બાજપેયી પહેલીવાર સ્ક્રીન પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના રોલમાં નજરે પડશે. આ સિવાય પીઢ કલાકાર સૌરભ શુક્લા પણ ફિલ્મમાં મહત્વનો રોલ ભજવશે.
ગાંધીજીના જીવનના એ ૨૧ દિવસોની અજાણી વાર્તા આ ફિલ્મની કહાણી મહાત્મા ગાંધીના જીવનના એ ઐતિહાસિક ૨૧ દિવસો પર આધારિત છે, જેનો ઉલ્લેખ ઇતિહાસમાં બહુ ઓછો જોવા મળે છે. ડાયરેક્ટર સુધીર મિશ્રાના જણાવ્યા અનુસાર, જ્યારે આખો દેશ આઝાદી તરફ આગળ વધી રહ્યો હતો અને દિલ્હી રાજકારણનું કેન્દ્ર બની રહ્યું હતું, ત્યારે ગાંધીજીએ બધાને ચોંકાવી દે તેવો નિર્ણય લીધો હતો. તેઓ સત્તાની આ હોડથી દૂર થઈ ગયા હતા. મિશ્રા માને છે કે ગાંધીજીનું આ પગલું કોઈ પીછેહઠ નહોતી પણ પોતાની જાતને શોધવાની એક ઊંડી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા હતી. ઇતિહાસમાં માત્ર મુખ્ય ઘટનાઓ જ નોંધાઈ છે, પણ આ ફિલ્મ એ નિર્ણય પાછળના કારણો, ગાંધીજીના વિચારો અને તેમની માનસિક મંથનને નજીકથી બતાવશે.
મનોજ બાજપેયીનો અનોખો અંદાજ પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા મનોજ બાજપેયી માટે આ રોલ ખૂબ ચેલેન્જિંગ અને સ્પેશિયલ છે. તેઓ પહેલીવાર બાપુના પાત્રમાં ગાંધીજીના માનવીય અને સંવેદનશીલ પાસાને લોકો સામે મુકશે. તેમની સાથે સૌરભ શુક્લાની એક્ટિંગ પણ આ ડ્રામાને એક અલગ ઊંચાઈ પર લઈ જશે.
દિગ્ગજ ડાયરેક્ટર્સ સાથે આવ્યા આ ફિલ્મની સૌથી મોટી તાકાત તેની ક્રિએટિવ ટીમ છે. ‘મુલ્ક’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મો બનાવનાર અનુભવ સિંહા પોતાના પ્રોડક્શન હાઉસ ‘બનારસ મીડિયા વર્ક્સ’ હેઠળ તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે, જ્યારે ‘હઝારોં ખ્વાઇશેં ઐસી’ ફેમ સુધીર મિશ્રા આ ફિલ્મનું ડાયરેક્શન કરશે. આ ફિલ્મ NH સ્ટુડિયો દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવશે અને નરેન્દ્ર હિરાવત તેના કો-પ્રોડ્યુસર છે.
