Jai Hind

જન્માષ્ટમીએ રાવણનું પોસ્ટર શેર કરતા ‘રામાયણ’ના મેકર્સ થયા ટ્રોલ

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ: ભાગ ૧’ વર્ષ 2026ની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંની એક છે. આ પૌરાણિક ફિલ્મમાં રણબીર કપૂર પ્રથમ વખત ભગવાન શ્રી રામના રોલમાં જોવા મળશે, જ્યારે સુપરસ્ટાર યશ ‘લંકાપતિ રાવણ’ની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, તાજેતરમાં જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર નિર્માતાઓએ યશનું રાવણ લુકનું નવું પોસ્ટર રિલીઝ કરતા સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો છે.

જન્માષ્ટમી પર રાવણનું પોસ્ટર શેર કરતાં ચાહકો નારાજ
આશરે ₹૪૦૦૦ કરોડના તોંગી બજેટમાં આકાર લઈ રહેલી આ ફિલ્મમાંથી નિર્માતાઓએ યશનું ‘રાવણ’ અવતારવાળું પોસ્ટર શેર કરતાં કેપ્શન લખ્યું હતું: “ત્રણેય લોકમાં એક જ રાજા હશે – દેવ લોક, પૃથ્વી લોક, પાતાળ લોક. રાવણ રાજ.”

પરંતુ, જન્માષ્ટમી જેવા શુભ પ્રસંગે રાક્ષસરાજ રાવણનું પોસ્ટર રજૂ કરવાની માર્કેટિંગ સ્ટ્રેટેજી સોશિયલ મીડિયા યુઝર્સને જરાય પસંદ ન આવી. લોકોએ યશના લુક પર નહીં પરંતુ તહેવારના દિવસે આ પોસ્ટર મૂકવાના ટાઇમિંગ પર આકરો વાંધો ઉઠાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો
સોશિયલ મીડિયા પર લોકોએ નિર્માતાઓની આકરી ટીકા કરી હતી. એક યુઝરે લખ્યું, “જન્માષ્ટમીના દિવસે રાવણનું પોસ્ટર કોણ શેર કરે? આ તો ભગવાન વિષ્ણુનું અપમાન છે.” જ્યારે અન્ય એક ફેને નિરાશા વ્યક્ત કરતા કહ્યું, “આ શુભ અવસરે રાવણના બદલે ભગવાન શ્રી રામ કે શ્રી કૃષ્ણનો ફોટો મૂકવો જોઈતો હતો. માર્કેટિંગના ચક્કરમાં આ નિર્ણય સાવ ખોટો સાબિત થયો છે.”

વિરોધ વધતાં નિર્માતાઓએ રણબીર કપૂરનું ‘શ્રી રામ’ પોસ્ટર રિલીઝ કર્યું
સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ ઊઠતાં જ નિર્માતાઓને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેમણે પરિસ્થિતિ સંભાળવા માટે એક જ કલાકની અંદર રણબીર કપૂરનું ‘શ્રી રામ’ અવતારવાળું નવું પોસ્ટર શેર કર્યું. આ પોસ્ટર સાથે તેમણે લખ્યું, “આ આપણા તમામ પ્રશ્નોનો જવાબ છે… આપણો રક્ષક, આપણો હીરો – શ્રી રામ.”

ઉલ્લેખનીય છે કે, બે ભાગમાં બનનારી આ મહાકાવ્ય ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2026ની દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે.