બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા હવે ડિજિટલ પ્લેટફોર્મ (OTT) પર પોતાનો જાદુ ચલાવવા માટે સજ્જ થઈ ગઈ છે. તેની ડેબ્યૂ મિસ્ટ્રી થ્રિલર વેબ સિરીઝ ‘શક: ટ્રસ્ટ નો વન’ ની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ મોસ્ટ અવેટેડ સિરીઝ 24 સપ્ટેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
શું છે સિરીઝની વાર્તા?
આ સિરીઝ એક એવી માતાની આસપાસ ફરે છે, જે પોતાના ગુમ થયેલા બાળકની શોધમાં સતત 9 વર્ષ સુધી સંઘર્ષ કરે છે. વાર્તામાં વિશ્વાસ, શંકા, મનોભાવ અને સત્ય વચ્ચેની પાતળી રેખાને ખૂબ જ રસપ્રદ રીતે વણી લેવામાં આવી છે. જેમ જેમ ગુમ થયેલા બાળકની તપાસ આગળ વધે છે, તેમ તેમ માતાના પોતાના જ અંગત લોકો શંકાના દાયરામાં આવતા જાય છે, જેનાથી અનેક નવા રહસ્યો ઘેરાય છે.
દમદાર સ્ટારકાસ્ટ અને મેકર્સ
સિરીઝમાં પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે જેનિફર વિંગેટ, સોની રાઝદાન, તાહિર રાજ ભસીન, સુમિત વ્યાસ, હરલીન સેઠી, અનુપ સોની અને ધ્રુવ ચૌધરી જેવા જાણીતા કલાકારો મહત્ત્વના રોલમાં નજરે પડશે.
‘અલ્કેમી ફિલ્મ્સ’ના બેનર હેઠળ બનેલી આ સિરીઝના સર્જક રેન્સિલ ડી’સિલ્વા અને સિદ્ધાર્થ પી. મલ્હોત્રા છે, જ્યારે તેનું નિર્દેશન રેન્સિલ ડી’સિલ્વાએ કર્યું છે. ‘ત્રિભંગા’ અને ‘મહારાજ’ જેવી સફળ ફિલ્મો બાદ નેટફ્લિક્સ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રાનો આ ચોથો પ્રોજેક્ટ છે.
ક્યારે અને ક્યાં જોઈ શકશો?
‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ અને ‘અમર સિંહ ચમકીલા’ જેવી ડાયરેક્ટ-ટુ-ઓટીટી ફિલ્મોમાં પ્રશંસનીય કામ કર્યા બાદ પરિણીતીની આ પહેલી વેબ સિરીઝ છે. સસ્પેન્સ અને ડ્રામાથી ભરપૂર આ સિરીઝ 24 સપ્ટેમ્બર થી નેટફ્લિક્સ પર દર્શકો માટે ઉપલબ્ધ થશે.