Jai Hind

‘શ્રીમદ ભાગવતમ્’ પર બનશે 7 ફિલ્મોની ભવ્ય સિરીઝ; પ્રથમ ભાગ ‘વિષ્ણુરત’ 2027માં થશે રિલીઝ

ભારતીય પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક વારસાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ પર આધારિત એક વિશાળ લાઈવ-એક્શન સિનેમેટિક ફ્રેન્ચાઈઝીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ મહાકાવ્યને કોઈ એક ફિલ્મમાં મર્યાદિત કરવાના બદલે કુલ 7 ભાગોમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ “શ્રીમદ્ ભાગવતમ્ ભાગ 1: વિષ્ણુરાટ” હશે, જેનું ટીઝર પોસ્ટર પણ લોન્ચ કરી દેવાયું છે.

પહેલો ભાગ: ‘વિષ્ણુરત’

ફ્રેન્ચાઈઝીની શરૂઆત ‘વિષ્ણુરાટ’થી થશે, જેનો અર્થ ‘ભગવાન વિષ્ણુ દ્વારા સુરક્ષિત વ્યક્તિ’ થાય છે. વાર્તામાં ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી પૌરાણિક અને આધ્યાત્મિક કથાઓને ઊંડાણપૂર્વક વણી લેવામાં આવશે. સમગ્ર ગ્રંથને 7 ભાગોમાં વહેંચવાથી દરેક પ્રસંગ, પાત્ર અને ભાવનાઓને પડદા પર પૂરતો ન્યાય મળી શકશે.

દિગ્દર્શન અને નિર્માણ

પૌરાણિક અને ધાર્મિક સિરિયલો તથા ફિલ્મો માટે જાણીતા સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન આકાશ સાગર ચોપરા અને અમૃત સાગર ચોપરા કરી રહ્યા છે. જોકે, હજુ સુધી ફિલ્મના કલાકારો (કાસ્ટ) અને સચોટ રિલીઝ ડેટ અંગેના પત્તા ખોલવામાં આવ્યા નથી.

2027માં થશે ભવ્ય રિલીઝ

“શ્રીમદ્ ભાગવતમ્ ભાગ 1: વિષ્ણુરાટ” વર્ષ 2027માં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને પ્રીમિયમ લાર્જ ફોર્મેટમાં રજૂ કરાશે, જેથી દર્શકોને વિઝ્યુઅલી પણ એક અદ્ભુત અને ભવ્ય અનુભવ મળી રહે. પ્રથમ પોસ્ટર સામે આવ્યા બાદ જ પૌરાણિક ફિલ્મોના શોખીનોમાં આ સિનેમેટિક વંડરને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.