દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સલિયનના શંકાસ્પદ મોતના આશરે છ વર્ષ બાદ કેસમાં મોટો વળાંક આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટના નિર્દેશને પગલે સીબીઆઈ (CBI) દ્વારા ગુનો નોંધીને નવા સિરેથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ૮ જૂન, ૨૦૨૦ના રોજ મુંબઈના મલાડમાં એક ઈમારત પરથી રહસ્યમય રીતે પડી જવાથી દિશાનું મોત નીપજ્યું હતું, જેને તે સમયે મુંબઈ પોલીસે અકસ્માત (ADR) ગણાવ્યો હતો.
હાઈકોર્ટે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા દિશાના પરિવારે શરૂઆતથી જ તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન સવાલ કર્યો હતો કે આટલા ગંભીર આક્ષેપો હોવા છતાં અત્યાર સુધી માત્ર અકસ્માતે મોતનો ગુનો કેમ ચાલતો હતો? આ ઉપરાંત, આટલા વર્ષો વીતી ગયા છતાં પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કે ADRની કોપી ન અપાતા હાઈકોર્ટે કડક વલણ અપનાવી CBIને તાત્કાલિક FIR નોંધી તપાસ કરવા આદેશ આપ્યો હતો.
CBIએ કઈ કલમો હેઠળ ગુનો નોંધ્યો? નવી દિલ્હી સ્થિત CBIની સ્પેશિયલ ક્રાઈમ શાખાએ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ FIR (નંબર: RC0502026S0006) દાખલ કરી છે. જેમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની નીચે મુજબની ગંભીર કલમો લગાવાઈ છે:
- કલમ ૧૨૦-બી: ગુનાહિત કાવતરું ઘડવું
- કલમ ૩૭૬(ડી): સામૂહિક બળાત્કાર (ગેંગરેપ)
- કલમ ૩૦૨: હત્યા
- કલમ ૨૦૧: પુરાવાનો નાશ કરવો અથવા ખોટી માહિતી આપવી
- કલમ ૨૧૭ અને ૨૧૮: આરોપીઓને બચાવવાના ઈરાદાથી સરકારી કર્મચારી કે પોલીસ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવું તેમજ નકલી રેકોર્ડ તૈયાર કરવા
મલાડનો ફ્લેટ નંબર ૧૨૦૨ તપાસનું કેન્દ્ર CBIની એફ.આઈ.આર. મુજબ, ૮ અને ૯ જૂન, ૨૦૨૦ની રાત્રે મલાડ વેસ્ટમાં આવેલ ‘રીજન્ટ ગેલેક્સી’ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૧૨૦૨માં આ ઘટના બની હતી. તપાસ એજન્સી હવે એ રાત્રે બનેલી ઘટનાઓનું પુનરાવર્તન કરીને સત્ય સામે લાવશે. સાથે જ, ઘટના બાદ પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી હતી કે કેમ તેની પણ તપાસ થશે.
રાજકીય અને બોલીવુડ હસ્તીઓની ભૂમિકાની તપાસ દિશાના પિતા સતીશ સલિયાને નોંધાવેલી ફરિયાદમાં કેટલાક નેતાઓ, બોલીવુડ કલાકારો, મુંબઈ પોલીસ અને એસઆઈટી (SIT)ના અધિકારીઓના નામોનો ઉલ્લેખ છે. જેમાં આદિત્ય, સૂરજ પંચોલી અને ડીનો મોરિયા સહિતના નામો સામે આવ્યા છે. જોકે, CBI મુજબ માત્ર નામ હોવાથી કોઈ દોષિત ઠરતું નથી, પરંતુ તપાસમાં મળેલા પુરાવાના આધારે આગળની કાર્યવાહી થશે.
પરિવાર અને સુશાંતની બહેને નિર્ણયને આવકાર્યો દિશાના પિતાએ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપતા કહ્યું કે “સત્ય ક્યારેય છુપાતું નથી અને અમને ન્યાય મળશે.” બીજી તરફ, સુશાંત સિંહ રાજપૂતના બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને CBI તપાસના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે હવે સત્ય બહાર આવશે.