ચેક બાઉન્સના જૂના મામલામાં બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમને રૂ. ૫ કરોડ જમા કરાવવા માટે વધુ ૨ અઠવાડિયાનો સમય આપ્યો છે. જોકે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું છે કે, પૈસા ભરવા માટે આ તેમની પાસે ‘છેલ્લી તક’ છે.
આ મામલે ૧૫ સપ્ટેમ્બરે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને ઓછામાં ઓછા ૨ કરોડ રૂપિયા તાત્કાલિક જમા કરાવવા અને બાકીની રકમ માટે સુરક્ષા (ગેરંટી) પૂરી પાડવા આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે તેમનો પાસપોર્ટ જમા કરાવી લેવાની પણ સૂચના આપી છે. કેસની આગામી સુનાવણી ૫ ઓક્ટોબરે હાથ ધરાશે.
શું છે સમગ્ર વિવાદ?
દિલ્હી હાઈકોર્ટનો આદેશ: ૧૦ જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને ૩ મહિનાની જેલની સજા સંભળાવી હતી.
સરેન્ડર પર સ્ટે: આ આદેશને રાજપાલ યાદવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ૮ સપ્ટેમ્બરે કોર્ટે રૂ. ૫ કરોડ રજિસ્ટ્રીમાં જમા કરાવવાની શરતે તેમની શરણાગતિ (સરેન્ડર) પર રોક લગાવી હતી.
આખરી અલ્ટીમેટમ: કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો નક્કી કરેલા સમયમાં પૈસા જમા નહીં થાય, તો એક્ટરને જેલ જવું પડશે.
જણાવી દઈએ કે, તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજપાલ યાદવે લોન ન ચૂકવવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, “આ લડાઈ પૈસાની નથી પરંતુ સિદ્ધાંતોની છે. જો માત્ર પૈસાનો જ પ્રશ્ન હોત, તો આ મુદ્દો ૨૦૧૨માં જ ઉકેલાઈ ગયો હોત.”