Jai Hind

ગણેશ આચાર્યએ રિલીઝ કર્યું ‘ગણેશ ડસ્ટ ટુ સ્ટારડસ્ટ’નું દમદાર ટ્રેલર

સપનાં, સંઘર્ષ અને દૃઢ સંકલ્પની પ્રેરણાદાયી કહાની 11 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ

કેટલાંક સપનાં ખૂબ જ સામાન્ય પરિસ્થિતિઓમાં જન્મ લે છે, પરંતુ તેમને સાકાર કરવા માટે અસાધારણ હિંમત, સતત મહેનત અને પોતાની જાત પર અતૂટ વિશ્વાસની જરૂર હોય છે. આ જ જુસ્સાને મોટા પડદા પર જીવંત કરતાં જાણીતા કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ગણેશ આચાર્યએ પોતાની આગામી દિગ્દર્શિત ફિલ્મ ‘ગણેશ ડસ્ટ ટુ સ્ટારડસ્ટ’નું બહુપ્રતીક્ષિત ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં શિવાંશુ સોની, આલોક શો, સુક્ધયા કલાન અને સાક્ષી પાવસ્કર જોવા મળશે.
ફિલ્મની જાહેરાત અને પ્રથમ પોસ્ટર રિલીઝ થયા બાદ હવે ટ્રેલર દર્શકોને એક એવી દુનિયાની ઝલક બતાવે છે, જ્યાં સપનાં પરિસ્થિતિઓ કરતાં ઘણાં મોટાં છે અને સફળતા તરફ આગળ વધતું દરેક પગલું પોતાની સાથે નવા પડકારો લઈને આવે છે.
લાગણીઓ, દમદાર ક્ષણો અને ડાન્સની ઊર્જાથી ભરપૂર આ ટ્રેલર મહત્ત્વાકાંક્ષા, જવાબદારીઓ, ત્યાગ અને જીવનની મુશ્કેલીઓ સામે લડીને આગળ વધવાના જુસ્સાને રજૂ કરે છે.
ફિલ્મની મૂળ ભાવના એવા લોકોની કહાની દર્શાવે છે, જેઓ તમામ મુશ્કેલીઓ છતાં સપનાં જોવાની હિંમત રાખે છે. આ ફિલ્મ યાદ અપાવે છે કે સપનાંની કોઈ સીમા હોતી નથી, પરંતુ તેમને સાકાર કરવા માટે ધીરજ, દૃઢ સંકલ્પ અને વર્ષોની મહેનત જરૂરી છે.
ભારતીય સિનેમાને અનેક યાદગાર ડાન્સ સિક્વન્સ આપનારા ગણેશ આચાર્ય હવે દિગ્દર્શક તરીકે પોતાની આગવી શૈલી, લાગણીઓ અને ભવ્ય મનોરંજનની ઊંડી સમજને આ ફિલ્મ દ્વારા રજૂ કરી રહ્યા છે. ‘ગણેશ ડસ્ટ ટુ સ્ટારડસ્ટ’માં તેઓ ડાન્સની દુનિયાને ભાવનાત્મક કહાની સાથે જોડે છે અને એક એવા સિનેમેટિક અનુભવનું વચન આપે છે, જે માત્ર પર્ફોર્મન્સ અને ભવ્યતા સુધી મર્યાદિત નથી, પરંતુ દર્શકોનાં દિલને પણ સ્પર્શવાનો પ્રયાસ કરે છે.