તાપસી પન્નુ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ હાલમાં ફિલ્મ ‘દોબારા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ તાપસી પ્રમોશન માટે એક ઇવેન્ટમાં ગઈ હતી. આ સમયે તે ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ ગઈ હતી અને ઝઘડો કર્યો હતો. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે.

મીઠીબાઈ કોલેજમાં ફિલ્મ પ્રમોશન માટે આવી હતી
તાપસી પન્નુ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં ફિલ્મ પ્રમોટ કરવા આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાપસી ઇવેન્ટમાં મોડી પહોંચી હતી. ફોટોગ્રાફર્સ લાંબા સમયથી રાહ જોતા હતા. એક્ટ્રેસ જ્યારે કોલેજ આવી ત્યારે તેણે ફોટો આપવાની ના પાડી દીધી હતી. પછી ફોટોગ્રાફર્સે ફરિયાદ કરી તો તે ભડકી ગઈ હતી. તાપસી ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા વગર જ સીધી અંદર જતી રહી હતી. પાછળ ફોટોગ્રાફર્સ તેના નામની બૂમો પાડીને ફોટો ક્લિક કરાવવાનું કહે છે.

ફોટોગ્રાફર્સ તાપસને એમ પણ કહે છે કે તે ઇવેન્ટમાં મોડી આવી છે અને તેઓ ક્યારના રાહ જોઈને ઊભા છે. આ વાત પર તાપસી નારાજ થઈ જાય છે અને ચોખવટ કરે છે. તાપસી કહે છે કે તેને જેટલા વાગ્યાનો કૉલ ટાઇમ આપ્યો હતો તેટલા વાગે તે આવી છે. આ દલીલો દરમિયાન તાપસી ગુસ્સે થઈ જાય છે.

તાપસીએ કહ્યું હતું, ‘મને જે કહેવામાં આવ્યું તે હું કરું છું. તમે મારી પર કેમ બૂમો પાડો છો? મારી સાથે સભ્યતાથી વાત કરો. હું મારું કામ કરી રહી છું. મને જ્યાં બોલાવવામાં આવે છે, ત્યાં હું સમયસર જ જાઉં છું. તમે મારી સાથે સભ્યતાથી વાત કરશો તો હું પણ સભ્યતાથી વાત કરીશ.’ આ દરમિયાન તાપસીની ટીમ તેને શાંત પાડવાનો પ્રયાસ કરે છે. તાપસી ફોટોગ્રાફરને કહે છે, ‘કેમેરો તો મારી પર છે, તો મારી જ બાજુ દેખાશે. કેમેરો તમારી પર હોત તો ખબર પડત કે તમે મારી સાથે કેવી રીતે વાત કરો છો.’ છેલ્લે તાપસી હાથ જોડીને કહે છે, ‘તમે જ હંમેશાં સાચા છો, એક્ટર હંમેશાં ખોટા હોય છે.’

તાપસી પન્નુની ‘દોબારા’ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. આ ફિલ્મ 19 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મને અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 2018માં રિલીઝ થયેલી સ્પેનિશ ફિલ્મ ‘મિરાજ’ની રીમેક છે. તાપસી હાલમાં જ ફિલ્મ ‘શાબાશ મિઠ્ઠુ’માં જોવા મળી હતી. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક હતી. અનુરાગ કશ્યપ તથા તાપસીએ 2018માં ફિલ્મ ‘મનમર્ઝિયા’માં સાથે કામ કર્યું હતું. તાપસીના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ‘એલિયન’, ‘બ્લર’, ‘વો લડકી હૈ કહાં’માં જોવા મળશે. તાપસી પન્નુ પહેલી જ વાર શાહરુખ ખાન સાથે ‘ડંકી’માં કામ કરી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

રિલેટેડ ન્યૂઝ