‘સારાભાઇ વર્સીસ સારાભાઇ’ની જાસ્મીન ઉર્ફે વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં નિધન

ટર્ન લેતી વખતે કાર ખીણમાં પડી હતી

’સારાભાઈ વર્સીસ સારાભાઈ’ શોમાં જાસ્મિનનો રોલ કરનાર એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે હિમાચલ પ્રદેશમાં એક અકસ્માતમાં નિધન થયું હતું. વૈભવીનો પરિવાર ચંદીગઢમાં રહેતો હતો. વૈભવીના અંતિમ સંસ્કાર આજે બુધવારે સવારે 11 વાગ્યે મુંબઈમાં કરવામાં આવશે. હસતી અને હસાવતી એક્ટ્રેસના અચાનક મોતથી અભિનેત્રીના ફેન્સનું દિલ તૂટી ગયું છે. અભિનેત્રીના પરિવાર સહિત ફેન્સને પણ ઝાટકો લાગ્યો છે.
’સારાભાઈ વર્સીસ સારાભાઈ’ટેક-2માં વૈભવી સાથે કામ કરનાર નિર્માતા-અભિનેતા જેડી મજેઠિયાએ આ સમાચારને સમર્થન આપ્યું છે. તેમણે ખુલાસો કર્યો કે ટર્ન લેતા સમયે કાબુ ગુમાવતા કાર ખીણમાં પડી ગઈ હતી. વૈભવીના મંગેતર જેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે, તેઓ પણ કારમાં હતા.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, આ અકસ્માત ઉત્તર ભારતમાં થયો છે. જેડી મજેઠિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું, “જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે ’સારાભાઈ વર્સીસ સારાભાઈ’ની ’જાસ્મિન’ તરીકે જાણીતી છે, તેમનું એક અકસ્માતને કારણે નિધન થયું છે. પરિવાર આજે સવારે લગભગ 11 વાગ્યે અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ દેહને મુંબઇ લાવશે. વૈભવીના આત્માને શાંતિ મળે’ વૈભવી પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે 2020 ની ફિલ્મ ’છપાક’ અને ’તિમિર’ (2023) માં પણ જોવા મળી હતી. એક્ટ્રેસ ગુજરાતી થિયેટરમાં ખૂબ જ લોકપ્રિય હતા. ઉપાધ્યાયે ટીવી શો ’સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ઉપરાંત ’ક્યા કસૂર હૈ અમલા કા’ અને ડિજિટલ સિરીઝ ’પ્લીઝ ફાઇન્ડ એટેચ્ડ’માં પણ કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મલ્હાર ઠાકરે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે લખ્યું હતું કે, ભગવાન તમારા આત્માને શાંતિ આપે. આપણી ફિલ્મ ’લોચા લાપસી’ રિલીઝ થવાની છે. ત્યારે તમે બહુ જ યાદ આવશે. વૈભવીના મોતના સમાચારથી ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આઘાતમાં ગરકાવ થઇ ગઈ છે. અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વૈભવીનો ફોટો શેર કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. રૂપાલીએ લખ્યું,’આટલી જલ્દી ચાલી ગઈ.’

રિલેટેડ ન્યૂઝ