Jai Hind

આંખો નીચેની કરચલીઓથી છો પરેશાન? જાણો મુખ્ય કારણો અને દૂર કરવાના ૪ અચૂક ઘરેલુ ઉપાયો

ઉંમર વધવાની સાથે ત્વચા પાતળી થવી અને તેમાં કોલેજન તેમજ ઇલાસ્ટિનનું પ્રમાણ ઘટવું એ એક કુદરતી પ્રક્રિયા છે. આંખોની આસપાસની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, જ્યાં ઓઇલ ગ્લેન્ડ્સ (તેલ ગ્રંથીઓ) ઓછી હોવાથી શુષ્કતા વધે છે અને કરચલીઓ તેમજ ફાઇન લાઇન્સ જલ્દી દેખાવા લાગે છે.

આયુર્વેદિક દ્રષ્ટિકોણ મુજબ, માત્ર ઉંમર જ નહીં પરંતુ ખરાબ ખાણીપીણી, મોડે સુધી સ્ક્રીન (મોબાઇલ/કમ્પ્યુટર) સામે બેસી રહેવું, ઊંઘ પૂરી ન થવી, માનસિક તણાવ, ડિહાઇડ્રેશન અને ધૂમ્રપાન જેવી આદતો પણ આંખો નીચેની કરચલીઓ અને કાળા કુંડાળા (ડાર્ક સર્કલ) માટે જવાબદાર છે.

યોગ્ય સંભાળ અને કુદરતી ઉપાયો દ્વારા આ સમસ્યાને ઘરબેઠા જ નોંધપાત્ર રીતે નિયંત્રિત કરી શકાય છે.

કરચલીઓ દૂર કરવાના ૪ અસરકારક દેશી ઉપાયો

૧. પપૈયાનો રસ:

પપૈયામાં ‘બ્રોમેલેન’ નામનું એન્ઝાઇમ હોય છે, જે ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટ રાખે છે. પપૈયાનો રસ અથવા પલ્પ આંખો નીચે ૧૫ મિનિટ લગાવી રાખી ત્યારબાદ ધોઈ લો. અઠવાડિયામાં ૩ થી ૪ વાર આ ઉપાય કરવાથી ત્વચામાં કસાવ આવશે.

૨. દિવેલ (એરંડાનું તેલ):

દિવેલ ત્વચાના ઊંડાણ સુધી ભેજ પહોંચાડે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા આંખોની આસપાસ એરંડાના તેલના બે ટીપાં મૂકી હળવા હાથે મસાજ કરો. નિયમિત માલિશથી કરચલીઓ ઝડપથી હળવી થાય છે.

૩. કોપરેલ (નારિયેળ તેલ):

નારિયેળ તેલમાં વિટામિન-E અને ગુડ ફેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે શુષ્ક ત્વચાને મોઇશ્ચરાઇઝ કરીને કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ આંખો નીચે કોપરેલ લગાવીને થોડી મિનિટો સુધી મસાજ કરવી ફાયદાકારક છે.

૪. કાકડી અને ટામેટાંનો રસ:

કાકડીમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ અને એન્ટિ-એજિંગ ગુણો ત્વચાને તાજગી આપે છે. કાકડીની છીણ અથવા તેનો રસ આંખો પર લગાવો. આ જ રીતે ટામેટાનો પલ્પ લગાવવાથી પણ ત્વચાના મૃત કોષો દૂર થાય છે અને ત્વચા ચમકદાર બને છે.