ઘરે બનાવો નેચરલ રોઝ એલોવેરા જેલ: ચહેરા પર લાવશે નેચરલ પિન્ક ગ્લો

આજકાલ ચહેરા પર ગુલાબી નિખાર અને ગ્લો લાવવા માટે મોટાભાગના લોકો બજારમાં મળતી કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. જોકે, કેમિકલ પ્રોડક્ટ્સના લાંબા ગાળાના ઉપયોગથી ત્વચાને નુકસાન થઈ શકે છે. જો તમે ત્વચાને કોમળ, સોફ્ટ અને ચમકદાર બનાવવા માંગતા હોવ, તો ઘરે જ કુદરતી ગુલાબ અને એલોવેરા જેલ બનાવી શકો છો. આ હોમમેઇડ જેલ બનાવવી ખૂબ જ સરળ છે અને તે ત્વચા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આવો જાણીએ આ જેલ બનાવવાની રીત અને તેના ફાયદાઓ વિશે:

જરૂરી સામગ્રી

  • તાજા ગુલાબની પાંખડીઓ: ૨ થી ૩ ગુલાબની
  • ગુલાબજળ: ૩ થી ૪ ચમચી
  • એલોવેરા જેલ: ૩ ચમચી (તાજું અથવા ઓર્ગેનિક)
  • વિટામિન E કેપ્સ્યુલ: ૧
  • બદામનું તેલ (ઓપ્શનલ): ૧/૨ ચમચી (ડ્રાય સ્કિન માટે ઉત્તમ)

જેલ બનાવવાની રીત

સ્ટેપ ૧: ગુલાબનો રસ તૈયાર કરવો

સૌપ્રથમ ગુલાબની પાંખડીઓને સ્વચ્છ પાણીથી બરાબર ધોઈ લો જેથી તેની પરની ધૂળ-માટી દૂર થઈ જાય. હવે મિક્સર જારમાં આ પાંખડીઓ અને ૩-૪ ચમચી ગુલાબજળ ઉમેરીને એકદમ બારીક પીસી લો. ત્યારબાદ આ મિશ્રણને બારીક સુતરાઉ કપડાં કે ચાળણી વડે ગાળીને ગુલાબનો અર્ક (રસ) અલગ કરી લો.

સ્ટેપ ૨: મિશ્રણ તૈયાર કરવું

એક સ્વચ્છ કાચના બાઉલમાં ૩ ચમચી એલોવેરા જેલ લો. તેમાં તૈયાર કરેલો ગુલાબનો અર્ક, ૧ વિટામિન E કેપ્સ્યુલનું તેલ અને જો તમારી સ્કિન ડ્રાય હોય તો અડધી ચમચી બદામનું તેલ ઉમેરો.

સ્ટેપ ૩: સ્ટોરેજ

તમામ સામગ્રીને ચમચી વડે એકરસ થઈ જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરો. ક્રીમી ટેક્સચર આવી જાય એટલે તમારી હોમમેઇડ ‘રોઝ એલોવેરા જેલ’ તૈયાર છે. આ જેલને એક નાની સ્વચ્છ કાચની બોટલ કે બરણીમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

વાપરવાની યોગ્ય રીત

  • સૌપ્રથમ ફેસવોશ વડે ચહેરો બરાબર ધોઈને સાફ કરી લો અને ટુવાલથી લૂછી લો.
  • હવે થોડી જેલ લઈને ચહેરા અને ગરદન પર હળવા હાથે મસાજ કરો.
  • આ જેલનો ઉપયોગ તમે દરરોજ સવારે અથવા રાત્રે સૂતા પહેલાં નાઇટ ક્રીમ તરીકે કરી શકો છો.

ત્વચા માટેના અદ્ભુત ફાયદા

૧. ડીપ હાઇડ્રેશન: એલોવેરા ત્વચાને ચીકાશ વગર ભેજ પૂરો પાડે છે, જ્યારે ગુલાબજળ ત્વચાનું નેચરલ મોઇશ્ચર જાળવી રાખે છે.

૨. ખીલ અને બળતરામાં રાહત: એલોવેરાના એન્ટી-બેક્ટેરિયલ ગુણો ખીલ થતા અટકાવે છે અને ત્વચાની લાલાશ કે બળતરા શામક બનાવે છે.

૩. ડાઘ-ધબ્બા દૂર કરે છે: ગુલાબમાં રહેલું વિટામિન C અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ચહેરાના કાળા ડાઘ, ટેનિંગ અને પિગ્મેન્ટેશન ઘટાડી કુદરતી ગ્લો લાવે છે.

૪. એન્ટી-એજિંગ ગુણો: આ જેલ નિયમિત લગાવવાથી ચહેરા પરની કરચલીઓ ઘટે છે અને ત્વચાની ટાઇટનેસ જળવાઈ રહે છે.

રિલેટેડ ન્યૂઝ