બચ્ચનના કરોડપતિ બોડીગાર્ડ પોલીસ હેડ કોન્સ્ટે.ની બદલી

સરકારી પગાર ઉપરાંત વર્ષે 1.50 કરોડનો એકસ્ટ્રા પગાર લેતો હોવાની ચર્ચા બાદ પગલુ

મુંબઈ તા,27
ઘણાં સમયથી અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ રહેલા મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર શિંદેની પોલીસ કમિશ્નર હેમંત નાગરાલે ટ્રાન્સફર કરી દીધી છે. જીતેન્દ્ર પર આરોપ છે કે તે અમિતાભ બચ્ચન પાસેથી વર્ષે દોઢ કરોડ રૂપિયાનો પગાર લેતો હતો. આ માહિતી મળ્યા બાદ જીતેન્દ્ર વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને ડ કક્ષાની સિક્યોરિટી પૂરી પાડવામાં આવી છે અને તેથી જ મુંબઈ પોલીસના બે કોન્સ્ટેબલ સતત તેમની સાથે હોય છે.જીતેન્દ્ર શિંદે 2015થી અમિતાભની સુરક્ષામાં રોકાયેલો હતો. માનવામાં આવે છે કે જીતેન્દ્ર શિંદે પ્રાઇવેટ સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. આ એજન્સી તેની પત્ની ચલાવે છે. શિંદેએ એ વાતનો ઈનકાર કર્યો હતો કે તેમને અમિતાભ બચ્ચન વર્ષે દોઢ કરોડનો પગાર આપતા હતા.
મુંબઈ પોલીસ કમિશ્નરનું પદ ગ્રહણ કર્યા બાદ પોલીસ કમિશ્નર હેમંત નાગરાલેએ આદેશ આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ એક પદ પર, એક પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષથી વધુ સમય સુધી રહી શકશે નહીં. વિભાગે કહ્યું હતું કે આ જ નિયમ હેઠળ શિંદેની ટ્રાન્સફર ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી દેવામાં આવી છે. અમિતાભ બચ્ચનના અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી પેમેન્ટ અંગેની માહિતી માગવામાં આવે તેવી શક્યતા છે.શિંદે હંમેશા અમિતાભ બચ્ચનના પડછાયાની જેમ સાથે રહેતો હતો. થોડાં સમય પહેલાં અચાનક જ તેના પગારની ચર્ચા સો.મીડિયામાં થવા લાગી હતી. એમ માનવામાં આવે છે કે શિંદેનો પગાર મલ્ટિનેશનલ કંપનીના સીઈઓ (ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર)થી પણ વધારે છે. શિંદેને દર મહિને 12 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત તેને સરકારી પગાર પણ મળે જ છે. અલબત્ત, શિંદેનો પગાર વધુ હોવાનું એક કારણ એ પણ હતું કે તે બચ્ચન પરિવારને પોતાની પ્રાઇવેટ સિક્યોરિટી પણ આપતો હતો. શિંદેએ જાણીતા અમેરિકન એક્ટર તથા પ્રોડ્યૂસર એલિઝા વુડને ભારતમાં સિક્યોરિટી પૂરી પાડી હતી.

રિલેટેડ ન્યૂઝ