અમરેલીમાં વીજળીનું લબુક-ઝબુક વેપારી, કારખાનેદારો, રહીશોમાં રોષ

વીજબીલ વસુલવામાં પાવરઘા તંત્રના આડેધડ કાપથી આક્રોશ

અમરેલી તા.12
વીજબીલ વસુલવામાં પાવરઘુ વીજ કંપનીએ અમરેલી શહેરનાં ચક્કરગઢ રોડને જબુક વીજળીથી બાનમાં લેતા સ્થાનિક રહીશો, વેપારીઓ તેમજ હિરાનાં કારખાનેદારોમાં ભારે રોષની લાગણી છવાયેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરનાં ચક્કરગઢ રોડ ઉપર આવેલા અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વીજળી વેરણ બનેલ છે. અવાર-નવાર વીજળી ગુલ થવાનાં કારણે આ વિસ્તારના કારખાનેદારો, વેપારીઓ અને સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ એક જ વિસ્તારમાં અવાર-નવાર વીજ પાવર ગુલ થઇ રહેલ છે. તેમ છતાં પણ નિંભર તંત્ર દ્વારા નિર્ણાયક પગલા ભરવામાં આવતા નથી. વીજ કંપની દ્વારા તેમના ગ્રાહકથી ભુલમાં એકાદ વીજબીલ ભરવામાં ચૂક થાય તો તુરંત જ વીજ કર્મચારી 108ની જેમ વીજ કનેકશન કાપડા દોડી આવે છે. ત્યારે કેટલાય દિવસોથી શહેરના ચક્કરગઢ રોડ ઉપરનાં વિસ્તારોને વીજ કંપનીઓ વીજળી વગર બાનમાં લીધાની વિકટ પરિસ્થિતિ ઉદભવેલ છે.
વીજ કનેકશન કાપવામાં પાવરધા વીજ કંપનીના અધિકારી દ્વારા આડેધડ વીજળી ગુલ અંગે લોકોને નિયમીત વીજ સેવા અંગે પણ નિર્ણાયક પગલા ભરવા માંગણી ઉઠેલ છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હિરાના કારખાનાઓ આવેલ છે. ત્યારે હિરામાં પુરતી રોજી રોટી મળતી નથી તેવી વિકટ પરિસ્થિતિમાં વીજળી ગુલ થવાનાં કારણે રત્ન કલાકારોને પોતાના પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનેલ છે. ત્યારે વીજ કંપની દ્વારા આ વિસ્તારના વિકટ વીજ પ્રશ્ર્ન હલ કરવા માંગણી ઉઠેલ હતી.

રિલેટેડ ન્યૂઝ