ઉર્જા વિભાગની ભરતી કૌભાંડની તપાસ માટે કમિટી બનાવાઈ

રાજકોટ તા.13
ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડની તપાસ માટે રાજ્ય સરકારે કમિટીની રચના કરી છે. જીયુવીએનએલના મેનેજીંગ ડીરેકટર શાહમીના હુસેનને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ ભરતી કૌભાંડની તપાસ કરી મુખ્યમંત્રીને તપાસ રિપોર્ટ સોંપશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડકલાર્કની પરીક્ષાનુ પ્રશ્નપત્ર ફુટવાની ઘટના ભૂલાઇ નથી ત્યાં હવે ઉર્જા વિભાગમાં ય ભરતી કૌભાંડનું ભૂત ધુણ્યું છે. ટૂંકમાં, સરકારી પરીક્ષાઓમાં મળતિયાઓને નોકરી અપાઇ રહી છે તેવુ ચિત્ર ઉપસ્યું છે જેથી ભાજપ સરકારની રાજકીય પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ છે. જોકે, ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં આપ નેતા યુવરાજસિંહે કરેલાં આરોપ બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. ટૂંક જ સમયમાં સમગ્ર ભરતી કૌભાંડ મુદ્દે પ્રાથમિક અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે.
ઉર્જા વિભાગમાં જેટકો દ્વારા લેવાતી ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતી આચરીને ઉમેદવારોને પાસ કરવામાં આવી રહ્યા છે.એટલું જ નહીં, રૂા.16 લાખ લઇને જુનિયર આસિસટન્ટની નોકરી અપાઈ છે તેવો આપ નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યાં છે. આ ઉપરાંત એક પરિવારના 40-45 લોકોએ ઉર્જા વિભાગમાં નોકરી મેળવી છે જે શંકા પ્રેરે છે.
સાબરકાંઠા ભરતી કૌભાંડનું એપી સેન્ટર રહ્યુ છે. ખુદ ઉર્જા વિભાગના અધિકારીઓ જ કૌભાંડમાં સંડોવાયેલા છે. એક સિકવન્સના નંબર ધરાવતાં બધાય ઉમેદવારો પાસ કરી દેવાયા છે. ગેરરીતી આચરીને નોકરી મેળવનારા 140 ઉમેદવારો આજે ઉર્જા વિભાગમાં નોકરી કરી રહ્યા છે. ગઇકાલે જ આ મામલે ગૃહમંત્રીને મળીને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી.સમગ્ર ભરતી કૌભાંડની સીબીઆઇ દ્વારા તપાસની માંગ પણ કરવામાં આવી છે.
છેલ્લાં ત્રણેક વર્ષથી ઉર્જા વિભાગમાં ચાલી રહેલા ભરતી કૌભાંડની વિગતો જાહેર કરાતાં સરકારે એક કમિટીની રચના કરી હતી. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, ભરતી કૌભાંડની તપાસ જીયુવીએનએલના એમડી કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં તેનો પ્રાથમિક રિપોર્ટ મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે. તપાસ અહેવાલ સુપરત કર્યા બાદ વાતમાં તથ્ય જણાશે તો કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હવે યુવરાજના આક્ષેપોમાં કેટલું તથ્ય છે અને સરકારના અહેવાલમાં સત્ય બહાર આવશે કે કેમ તેના પર સૌની નજર મંડાઇ છે. અત્યારે તો સરકારે તપાસનો ધમધમાટ આદર્યો છે.

રિલેટેડ ન્યૂઝ