જેતપુર સિવિલમાં જ હવે કોરોનાના રિપોર્ટ થઇ શકશે

કોરોના અને ઓમિક્રોન સામે લડવા તંત્ર સજ્જ
આર.ટી.પી.સી.આર ટેસ્ટની મંજુરી મળતા મશીનરી પણ આવી ગઇ

જેતપુર તા. 13
ઓમિક્રોનના સંક્રમણની સાથે કોરોનાની ત્રીજી લહેરની વ્યક્ત થઈ રહેલી શક્યતાને પગલે સરકાર દ્વારા આગોતરી તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ત્યારે જેતપુર સિવિલ હોસ્પિટલમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે લડવા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર વેળાએ દર્દીઓના RTPCR રીપોર્ટ રાજકોટ સિવિલ ની લેબમાં મોકલવામાં આવતા હતા. જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારે સંભવિત ત્રીજી લહેર પૂર્વે જેતપુર સિવિલ હોસ્પિટલને RTPCR લેબ માટેની મંજૂરી મળી જતા તેની મશીનરી પણ આવી ગઈ છે. ટૂંક સમયમાં જ RTPCR લેબ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જેતપુર સિવિલમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે 5 વેન્ટિલેટર, 22 બેડ,30 ઓક્સિજન બોટલ સહિત દવાનો જથ્થો સ્ટોક કરી લેવામાં આવ્યો છે.બે દિવસમાં જ કોવિડ સેન્ટરને વિવિધ સુવિધાઓથી સજ્જ કરી દેવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ આદરીં છે.
રિપોર્ટ રાજકોટ મોકલવા નહીં પડે
સરકાર તરફથી આદેશ છે કે RTPCR લેબ, દર્દીઓને દાખલ કરવા સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવાની છે. લેબ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. સિવિલમાં પ્લાન્ટ હોવાથી અમારી પાસે ઓક્સિજનની પુરતી વ્યવસ્થા છે. દર્દીઓને હેરાનગતિ નહીં પડે.. – ડો.નિકિતા પડ્યા સિવિલ હોસ્પિટલ અધિક્ષક.
કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં RTPCR લેબની સુવિધા ન હોવાથી કોરોના દર્દીઓના રીપોર્ટ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલવાની ફરજ પડતી હતી. જેના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓને RTPCR રીપોર્ટ પોઝિટિવ છે કે નેગેટીવ તે માટે એક-બે દિવસની રાહ જોવી પડતી હોવાથી યોગ્ય સારવાર પણ મળી શકતી ન હતી. જેના લીધે અનેક લોકોને તેનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. પરંતુ કોરોનાની ત્રીજી લહેરના આગમન પૂર્વે જેતપુર સિવિલ હોસ્પિટલને RTPCR લેબ માટેની મંજૂરી મળી જતા તેની મશીનરી પણ આવી ગઈ છે.બે દિવસમાં તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે

રિલેટેડ ન્યૂઝ