જામનગર પોલીસને દેશીદારૂ મોંઘો પડયો: ત્રણ પોલીસ કર્મીની બદલી

પડાણાના પી.એસ.આઇ.ને નોટિસ: પોલીસ બેડામાં ખળભળાટ

જામનગર તા 13
જામનગર જિલ્લા ના મેઘપર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારી ઓની ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા દ્વારા રાતોરાત બદલી કરી નાખવામાં આવતાં પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. પડાણા પોલીસ સ્ટેશન હેઠળના જોગવડ વિસ્તારમાં દેશીદારૂના ધંધામાં પોલીસની મીઠી નજર હોવાના આક્ષેપ સાથે ત્રણેયની બદલી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે પડાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ને પણ નોટિસ અપાઇ છે.
જામનગરના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા, જયરાજસિંહ દિલીપસિંહ ઝાલા અને વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા ની જામનગર ના ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ કુમાર પાંડે દ્વારા રાતોરાત બદલી કરી નાખવામાં આવી છે, અને ત્રણેય ને પોલીસ હેડકવાર્ટરમાં મૂકી દેવા અંગેના ઓર્ડર કાઢ્યા છે. જે બદલીના ઓર્ડર લઈને પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
પડાણા પોલીસ સ્ટેશન હેઠળના જોગવડ વિસ્તારમાં તાજેતરમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દેસી દારૂ અંગે દરોડા પાડયા હતા, જે દરોડામાં મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની મીઠી નજર હોવાનું જિલ્લા પોલીસ વડાને ધ્યાનમાં આવ્યું હતું, જેના અનુસંધાને ત્રણેય પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે. એટલું જ માત્ર નહીં પડાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કૌશિક સિસોદિયા ને નોટિસ પાઠવવામાં આવી છે. એસ.પી. ની આ કાર્યવાહીને લઇને પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
જોકે આ મામલે એસ.પી. દ્વારા એવું જાહેર કરાયું છે, કે આ પોલીસ તંત્રનો આંતરિક મામલો છે, અને ખાતાકીય તપાસ ચાલી રહી છે.
મેઘપર-પડાણા વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસાહત છે. જ્યાં મોટા પ્રમાણમાં દેશી દારૂનું સેવન થઈ રહ્યું છે, અને તેના માટે જોગવડ અને આસપાસના વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. જે દારૂની ભઠ્ઠીઓ ચલાવવામાં મેઘપર પડાણા પોલીસ ની મીઠી નજર હોવાનો આક્ષેપ થયો છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ