Jai Hind

ભાવનગરમાં 1,657 આવાસનો લોકાર્પણ તેમજ ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર તા.18
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ. 21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ ભાવનગર ખાતેના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રતિકાત્મક રૂપે લાભાર્થીઓએ તેમના ઘરની ચાવી અને કળશ આપવામાં આવ્યો હતો.
ગુજરાત ગૌરવ અભિયાન નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારના 1,152 આવાસોના લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના 320 આવાસોના લોકાર્પણ તેમજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 185 લાભાર્થીઓને ગૃહ પ્રવેશ થઇ રહ્યાં છે. આમ, કુલ 1,657 લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન આજે વાસ્તવમાં સાકાર થયું છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય વિભાવરીબેન દવેએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ભાડેથી રહેનારને કાયમી સરનામું મળશે. તેમજ પોતાના ઘરનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર થશે. કોઇપણ નાનો માણસ યોજનાકીય લાભથી વંચિત ન રહે તે વિભાવનાને સાર્થક કરવી એ અમારો સેવા મંત્ર છે.
મેયર કીર્તિબાળા દાણીધારીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, સરકારી યોજના છેવાડાના લોકો સુધી પહોંચતી થઈ છે. તેમજ ઉત્તમ સુવિધાયુક્ત આવાસ યોજના બની રહ્યાં છે. જેથી નાનામાં નાનો માણસ પણ સારા ઘરમાં રહી શકશે.
કલેકટર યોગેશ નિરગુડેએ ઉપસ્થિત તમામ લોકોને પોતાના સ્થાયી સરનામું મળવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમજ સરકારી લાભો મેળવીને યોજનાની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાં માટે જણાવ્યું હતું.
આ તકે પ્રાસંગિક પ્રવચન જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ આપ્યું હતું.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, શાસક પક્ષના નેતાશ્રી બુધાભાઈ ગોહિલ, દંડકશ્રી પંકજસિંહ ગોહિલ, લાભાર્થીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.