અમરેલીમાં મેઘ મહેર, ધાતરવડી નદી બે કાંઠે થઈ, ખેતરો પણ પાણીથી તરબોળ

આગામી 4 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસથી અમરેલી, રાજકોટ, જસદણ, ગોંડલ અને ધોરાજીમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમરેલી જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસાનું પહેલું પૂર આવ્યું છે. વરસાદના કારણે ધાતરવડી નદી બે કાંઠે થઇ છે, તો નાવલી નદી પણ બે કાંઠે થઇ હતી, પરંતુ વહેલી સવારે પાણી ઓસરી ગયું છે. હજુ વરસાદ વધુ પડશે તો ફરી અહીં પુર આવે તેવી શકયતા વર્તાઇ રહી છે.

વરસાદના કારણે પાકને મળ્યું નવું જીવનદાન

જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામડાના ખેડૂતોને વાવણીમાં જીવનદાન મળ્યું છે. ખેડૂતોના પાક બળી જવાના આરે હતા, ધરતી પુત્રો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ વરસાદના કારણે નવું જીવનદાન પાકને મળ્યું છે. આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નંદીમા પાણી આવ્યું છે. ઘોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.

ચાર દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

હાલ તો હવામાન વિભાગે માછીમારોને 24થી 28 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ