મોબાઈલની દુકાનમાં ફાયરીંગ કરી બે લૂંટારૂ 25 હજારની રોકડ લુંટી ફરાર

મોરબીના ઉંચી માંડલ ગામે ભરબપોરે બનેલ બનાવથી સનસનાટી : એક આરોપી દબોચાયો

મોરબી તા. 22
મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે મોબાઇલ ની દુકાનમાં બે અજાણ્યા શખ્સોએ ઘુસી જઇ ફાયરીંગ કરી રૂા. 25 હજારની રોકડની લૂંટ ચલાવી નાશી છુટતા સનસનાટી મચી જવા પામી છે.
મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે મોંટુભાઈ ચુનીભાઈ કાલરીયા ની મોબાઈલ સીટી પલ્સ નામની મોબાઇલની દુકાનમાં આજે બપોરના સમયે હિન્દીમાં વાતો કરતા બે શખ્સો આવ્યા હતા પ્રથમ મોબાઈલ પર ટફન ગ્લાસ નાખવાનું કીધું હતું બાદમાં મોકો જોઈને અજાણ્યા લૂંટારૂઓએ બંદુક કાઢીને દુકાનદારને જેટલા પૈસા હોય એટલા આપી દેવાનું કહ્યું હતું. જેથી દુકાનદારે દુકાનના ગલ્લામાં પડેલા રૂ.25000 જેટલી રોકડ રકમ તેમને આપી દીધી હતી અને બાદમાં લૂંટારાઓ પૈસા લઈને નાસી ગયા હતા તે દરમિયાન દુકાનદારે વળતો પ્રહાર કરતા લૂંટારૂઓને પથ્થર માર્યા હતા જેમાં લૂંટારૂઓ એ પણ સામે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે આ ફાયરિંગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સીસીટીવી ના આધારે લૂંટારૂઓ ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ઉંચી માંડલ નજીકના એક ખેતરમાંથી અરૂણ ચંદ્રકાંત ચંદેલ ઉ.વ.23 રહે. નિમચ (મધ્યપ્રદેશ) નામના શખ્સને ઝડપી લીધો છે અને તેના બીજા સાગરીતની શોધખોળ હાથધરવામાં આવી છે. એવું કહેવાય છે કે બીજો સાગરીત પણ પોલીસના હાથવેતમાં છે.

રિલેટેડ ન્યૂઝ