પોરબંદરની વી. જે. મોઢા કોલેજ ખાતે યોગ દિવસની યુનિવર્સિટી કક્ષાની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા)પોરબંદર,તા. 23
પોરબંદરની વી. જે. મોઢા કોલેજના યજમાનપદે યોજાયેલ યુનિવર્સિટી કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તથા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના વિકાસમાં હંમેશા રચનાત્મક અભિગમ ધરાવતી પોરબંદરની સંસ્થા વી. જે. મોઢા કોલેજ અભ્યાસ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્ધતા ધરાવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ આયોજન કરેલ છે. આ અનુસંધાને ભક્તકવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી, જૂનાગઢ દ્રારા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે પૈકી પોરબંદર જિલ્લામાં યુનિવર્સિટી કક્ષાએ આ આયોજન નામાંકિત સંસ્થા વી.જે. મોઢા કોલેજને સોપવામાં આવેલ. 21 જૂન વહેલી સવારે પ્રફુલિત વાતાવરણમાં પ્રાધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થીઓએ આ પ્રસંગે હાજરી આપી હતી. ઉપરોક્ત કાર્યક્રમ કોલેજના જ વિશાળ પટાંગણમાં કરવામાં આવેલો. યુનિવર્સિટી કક્ષાની આ અનોખી પહેલમાં સમગ્ર જિલ્લાની અલગ અલગ કોલેજના પ્રાધ્યાપકો, પ્રતિનિધિઓ તથા વિદ્યાર્થીઓ એમ કુલ 130 થી વધારે એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો. પ્રો. મિત રાવલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ. તેઓએ યોગ વિષે પ્રેરણાદાયક માર્ગદર્શન આપી શુભ શરૂઆત થયેલ. સવારે 07:00 વાગ્યાથી યોગ કોચ હાર્દિકભાઈ તન્ના,યોગ ટ્રેનર પરેશભાઈ દુબલ તથા યોગ ટ્રેનર અભિભાઈ આડતીયાએ વિદ્યાર્થીઓને યોગ પ્રોટોકોલ મુજબ યોગનો અભ્યાસ કરાવ્યો, ત્યારબાદ વિવિધ યોગ વિષેની ઊંડાણપૂર્વક અને રોજબરોજ યોગ અભ્યાસથી થતાં ફાયદા વિષે સમજ આપી. આ કાર્યક્રમથી સૌએ અનુભવ્યું કે આજની તણાવપૂર્ણ જીવનશૈલીમાં યોગ દ્વારા જ આપણે માનસિક અને શારીરિક ક્ષમતા મેળવી શકીએ. કાર્યક્રમને અંતે કોલેજના પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણીએ આભારવિધિ કરેલ તથા યોગ દિવસ ઉજવવાનું ભૌગોલિક કારણ અને જીવનમાં તેનું મહત્વ સમજાવી સમાપન કરેલ.
આજનો વિદ્યાર્થી એ આવતીકાલનો નાગરિક છે,માટે વિદ્યાર્થી ઘડતર એ રાષ્ટ્ર ઘડતર છે. આવા જ ઉમદા વિચારોને સાર્થક કરવા હંમેશા પ્રયત્ન કરતી આ સંસ્થા માટે આ યશકલગી સમાન સિદ્ધિ છે. આ માટે કોલેજના પ્રમુખ વલ્લભભાઈ મોઢા, ટ્રસ્ટી ડો. રમેશભાઈ મોઢા, નરેન્દ્રિસંહ ગોહિલ, અશોકભાઈ મોઢા, હિતેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ થાનકી, રવિભાઈ થાનકી, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, એકેડમિક હેડ વિશાલભાઈ પંડ્યા અને એકેડમિક કો-ઓર્ડિનેટર ઝલકભાઈ ઠકરાર તેમજ સર્વે સ્ટાફ મિત્રોએ પોતાનો કીમતી સમય આપેલ સૌ અતિથિઓનો આભાર માનેલ તેમજ સૌ વિધાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને યોગને નિયમિત જીવનમાં અપનાવી તંદુરસ્ત જીવન જીવવાની શીખ આપેલ.

રિલેટેડ ન્યૂઝ