પોરબંદર હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

યોગાસન, પ્રાણાયામની સાચી રીત સમજાવાઇ

(પ્રતિનિધિ દ્વારા)
પોરબંદર,તા. 23
પોરબંદર હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી જેમાં યોગાસન, પ્રાણાયામની સાચી રીત સમજાવાઇ હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21જૂનની ઉજવણી પોરબંદર જિલ્લાની હેડ પોસ્ટઓફિસ ખાતે કરવામાં આવેલ હતી. જેમાં પટાવાળાથી લઇને હેડ પોસ્ટમાસ્ટર સુધીના તમામ સ્ટાફે ભાગ લીધેલ હતો. વિશ્ર્વ જયારે યોગમય બન્યું હોય ત્યારે મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ બેનર હેઠળ કુલ 75 જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. હેડ પોસ્ટમાસ્ટર મીલેશભાઇ વારાની આગેવાની હેઠળ તમામ ભાઇ-બહેનો સ્ટાફ જોડાયેલા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના અધિકૃત યોગ શિક્ષક મનોજ મકવાણાએ કાર્યક્રમને સફળ બનાવવા ખાસ સમય ફાળવેલ હતો. યોગ ક્રિયાઓમાં સૌ પ્રથમ સુક્ષ્મ કસરતો, યોગાસનો, પ્રાણાયામ વગેરે નિર્દેશ સાથે ઉપસ્થિત તમામ યોગ સાધકોને કરાવેલ હતા. સાથે સાથે યોગાસન પ્રાણાયામના લાભ અને સાચી રીત પણ સમજાવેલ હતી. હાલમાં ચાલતી વૈશ્ર્વિક મહામારી કોરોનામાં કઇ રીતે યોગાસન અને પ્રાણાયામ આપણો જીવ બચાવી શકે છે અને કઇ રીતે આ અસરથી આપણે સુરક્ષીત રહી શકીએ તે પણ સમજાવેલ હતું. વિશેષમાં કાર્યક્રમના અંતમાં મોટાભાગના લોકોને પેટની તથા પેટ દ્વારા ઉદ્ભવતી બીમારીના ભોગ બને છે તે માટે કઇ રીતે ભોજન લેવું અને પાચનતંત્રના તમામ અંગો વિશે પણ સવિસ્તાર સમજ આપી હતી. પોરબંદર શહેરની તમામ પોસ્ટ ઓફિસના સ્ટાફે આ મહત્વપૂર્ણ યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લઇ, લાભ લઇ તમામ સાથીઓનો ઉત્સાહ વધારેલો હતો.

રિલેટેડ ન્યૂઝ