ભાવનગરમાં કોરોના બ્લાસ્ટ : નવા 33 કેસ

રાજકોટમાં 12, જામનગરમાં 10, અમરેલીમાં 8, દ્વારકા-સુરેન્દ્રનગરમાં 2-2, કચ્છમાં 4,અને મોરબીમાં એક પોઝીટીવ કેસ નોંધાયો : માત્ર 12 દર્દી રિકવર

જામનગરમાં સંક્રમણ વધતા તંત્ર એલર્ટ
મોડમાં : 60 બેડની હોસ્પિટલ શરૂ
જામનગર શહેર અને જિલ્લાના ધીમે ધીમે કોરોના નું સંક્રમણ વધતું જાય છે, અને દિન-પ્રતિદિન કોરોના ના કેસ સામે આવતા જાય છે, ત્યારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. હાલ જી.જી.હોસ્પિટલ ના કોવિડ એ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં દર્દીઓના કોરોના ના સેમ્પલ લેવાની તેમ જ દર્દીઓને તપાસવા માટે ની તમામ સુવિધાઓ કાર્યરત છે. આ ઉપરાંત કોવિડ બિલ્ડિંગના પ્રથમ માળે 60 બેડ સાથેનો વોર્ડ કાર્યરત કરી દેવાયો છે. જેમાં હાલ એક દર્દી સારવાર હેઠળ છે, અને ઓક્સિજન ના માધ્યમથી તેની સારવાર ચાલી રહી છે, અને તેની તબિયત સુધારા પર છે.
આ ઉપરાંત જી.જી.હોસ્પિટલ ના કોવિડ એ. બિલ્ડિંગના જુદા જુદા માળે કોરોના ના દર્દીઓને
જરૂર પડ્યે સારવાર આપી શકાય, તે માટેના 500થી પણ વધુ બેડ ને સજ્જ બનાવીને રાખી દેવાયા છે, અને તેના માટેનો જરૂરી સ્ટાફ પણ તૈનાતમાં રખાયો છે.
હાલ પ્રથમ માળે શરૂ કરાયેલા વોર્ડમાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી લેવાઇ છે, અને 30 થી વધુ જેટલો તબીબો અને પેરામેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજમાં મૂકી દેવાયો છે.
શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે, અને કોઈ દર્દીઓને સારવાર માટે ની જરૂર પડે, તો જી.જી.હોસ્પિટલમાં તેના માટેની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરી લેવાઈ છે, અને પર્યાપ્ત માત્રામાં દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરી લેવાયો છે.
જામનગરની સરકારી જી.જી.હોસ્પિટસલના સુપ્રી. ડો. દિપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડો. નદીની દેશાઈ, સર્જરી વિભાગના વડા ડો. હેમાંગ વસાવડા, તેમજ કોવિડ વિભાગ ના મુખ્ય ઇન્ચાર્જ ડો. એસ. એન. ચેટરજી, ડોક્ટર ગોસ્વામી, તથા ડો. અજય તન્ના સહિતની ટીમ દ્રારા સંપૂર્ણ વિભાગનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.25
રાજયભરમાં કોરોનાની ચોથી લહેર દસ્તકે દીધી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી કેસોની સંખ્યામાં ઉતરોતર વધારો નોંધાઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત કેસો વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર સાથે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે ભાવનગરમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ છેલ્લા 24 કલાકમાં એક સાથે નવા 33 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક દિવસમાં નવા 75 દર્દી કોરોના પોઝીટીવ નોંધાયા છે. જેમાં રાજકોટમાં 12, જામનગરમાં 10, અમરેલીમાં 8, કચ્છમાં 4, દ્વારકા-સુરેન્દ્રનગરમાં 2-2 અને મોરબીમાં એક કેસ સામે આવ્યો છે. જયારે માત્ર 12 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે.
રાજકોટ
રાજકોટમાં પણ કોરોનાની ગતિ દિવસેને દિવસે વધી રહી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 12 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 7 અને ગ્રામ્યમાં પ દર્દી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. જયારે ત્રણ દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે કુલ કેસનો આંકડો 63847 ઉપર પહોંચ્યો છે. જયારે હાલમાં 63 દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગર
ભાવનગર માં ફરી કોરોના એ ભરડો લીધો હોય તેમ છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 33 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં30 કેસ નોંધાયા છે જેમાં 17 નર્સિંગ કોલેજ- હોસ્ટેલના છે. 15 વિદ્યાર્થિની અને બે યુવકો સહિત 17 નર્સિંગ કોલેજના છે. અગાઉ નર્સિંગ કોલેજના 11 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ આવી છે આજના 17 મળી નર્સિંગ કોલેજની નર્સિંગ કોલેજના કુલ 30 કોરોના ની ઝપટમાં આવી ચૂકયા છે. આજે શહેરના અનેક વિસ્તારોમાં પણ કોરોના ફેલાયો છે. જેમાં ખેડુતવાસ, આનંદ નગર પચાસવારીયા ,તિલકનગર, ઘોઘારોડ ,સ્વપ્નસૃષ્ટિ સોસાયટી, શહેર ફરતી સડક ,સુભાષનગર , ગણેશનગર ,કાલિયાબીડ વિગેરે વિસ્તારોમાં કોરોના ના કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત ભાવનગર ગ્રામ્ય માં આજે કોરોના ના ત્રણ કેસ નોંધાયા છે. આજના 33 કેસ થી હવે ભાવનગર જિલ્લામાં કોરોના ના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 104 એ પહોંચી છે. ભાવનગરમાં રોજ રોજ કોરોના ના કેસો વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
જામનગર
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ તેજ રફતારથી આગળ વધી રહયું છે, અને તેમાંય આજે ખાસ કરીને કોરોના ના કેસનો આંકડો ડબલ ફિગરમાં આવી ગયો છે. જામનગર શહેરી વિસ્તારના આજે એકી સાથે 10 પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્યતંત્રની દોડધામ વધી છે. ત્રણ મહિલા સહિત 10 વ્યક્તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે, અને તમામને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન આગળ ધપતું જાય છે. જેમાં આજે કોરોનાએ વધુ પંજો ફેલાવ્યો છે. જામનગર શહેરના આજે એકી સાથે 10 કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે.
જામનગરમાં પટેલ કોલોની વિસ્તાર, સ્વસ્તિક સોસાયટી, વાલકેશ્વરી નગરી, શાંતિ હારમોની રેસીડેન્સી, આનંદ કોલોની, સેતાવાડ વિસ્તાર, હરિઓમ શેરી, આનંદ સોસાયટી, ખોડીયાર મંદિર વિસ્તાર, 45 દિગ્વિજય પ્લોટ, અને 23 દિગ્વિજય પ્લોટ વિસ્તાર માં ત્રણ મહિલા સહિતના દસ નાગરિકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા છે.
જે તમામ દર્દીઓને કોરોના ના સામાન્ય લક્ષણો હોવાનું, જ્યારે મોટાભાગના દર્દીઓએ વેકશીનના બંને ડોઝ મેળવી લીધાનું પણ જાણવા મળ્યું છે. જોકે કોઈને વધુ અસર ન હોવાથી તમામને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તમામ દર્દીઓના પરિવારજનોના સેમ્પલો લેવામાં આવ્યા છે, તેમ જ આસપાસના એરિયામાં આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરી લેવામાં આવી છે. જોકે આજે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી, જેથી રાહતના સમાચાર છે.

રિલેટેડ ન્યૂઝ