રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસથી 2364 પશુ સંક્રમિત

40 પશુના મોત: 65 ટકા રસીકરણ પુરૂ

પ્રતિનીધી દ્વારા
રાજકોટ તા.4
રાજકોટ શહેર સહિત જિલ્લામાં લમ્પી વાયરસનું આક્રમણ વધ્યું છે. જિલ્લામાં 2364 પશુઓ લમ્પી વાયરસનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં 40 જેટલા પશુઓના મોત નિપજ્યાં છે તેમ આજે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ 3.77 લાખ પશુમાંથી 2.14 લાખ પશુનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 65 ટકા જેટલું રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જિલ્લામાં લમ્પીગ્રસ્ત 2156 પશુઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. રોગચાળો અટકાવવા માટે કલેકટર દ્વારા જિલ્લા અને તાલુકાની અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે અને આ કમિટી રોજેરોજ મોનિટરીંગ કરી રહી છે. જિલ્લામાં પશુ દવાખાનામાં પણ રોગચાળાને લઈને ફરિયાદનો ઢગલો વધી જવા પામ્યો છે. પશુ ડોકટર સહિત જિલ્લામાં કુલ 1962 જેટલા કર્મચારીઓ રાત-દિવસ જોયા વગર રસીકરણ કરી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ રાજકોટ તાલુકા, જસદણ અને વિંછિયામાં કેસ વધુ મળી રહ્યા છે. આ વિસ્તારમાં રસીકરણ સઘન બનાવવામાં આવ્યું છે. સૌથી ઓછા કેસ જેતપુર અને ધોરાજી વિસ્તારમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં પણ ઘણા પશુઓ સંક્રમિત થતાં મહાનગરપાલિકાની ટીમ અને સામાજિક સંસ્થાઓ દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં એકાદ હજારથી વધુ પશુઓને રસી આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ