ઓઈલ એન્જિનના જનક ફિલ્ડમાર્શલ ગ્રુપના મોભી પોપટભાઈ પટેલનું નિધન

86 વર્ષની જૈફ વયે અંતિમ શ્ર્વાસ લીધા : અનેક સંસ્થા સાથે સંકળાયેલ, ભામાશાની વિદાયથી વેપાર-ઉદ્યોગજગતમાં શોક : અંતિમ યાત્રામાં તમામ ક્ષેત્રના આગેવાનો જોડાયા : કાલે બેસણું

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 4
રાજકોટનાં ટોચના ઉદ્યોગપતિ દાતા અને ઓઇલ એન્જીન ક્ષેત્રના ફિલ્ડમાર્શલ ગણાતા પી.એમ. ડિઝલ્સ (ફિલ્ડમાર્શલ) ઉદ્યોગગૃહના સ્થાપક શ્રી પોપટભાઇ પટેલે આજે 86 વર્ષની વયે ચિર વિદાય લીધી હતી. ગતરાત્રે શ્રી પોપટભાઇ પટેલે પોતાના નિવાસ સ્થાને જ આંખો મીંચી હતી. આજે સવારે 8:30 વાગ્યે તેમના નિવાસ સ્થાન રામકૃષ્ણનગર વેસ્ટ ખાતેથી નીકળેલી સ્મશાનયાત્રામાં શહેરનાં તમામ ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.


સદ્ગત પોપટભાઇ પટેલનું બેસાણું આગામી તા.6ને શનિવારના રોજ સવારે 9થી 11 વાગ્યા દરમિયાન પ્રમુખસ્વામી ઓડિટોરીયમ રૈયા રોડ ખાતે રાખેલ છે. સ્વ. પોપટભાઇ નરશીભાઇ કણસાગરા ઉર્ફે પોપટબાપા તેમની પાછળ ચાર સંતાનો ચંદ્રકાંતભાઇ કણસાગરા, નીતીનભાઇ, દિપકભાઇ કણસાગરા અને શોભનાબેન કોરડીયાને વિલાપ કરતા છોડી ગયા છે.
પારિવારિક સુત્રોના કહેવા મુજબ મુલ્ય નિષ્ઠ જીવનના કારણે સ્વ. પોપટબાપા નિરોગી હતા પરંતુ 86 વર્ષની ઉંમરના કારણે નબળાઇ રહેતી હોવાથી ઘરે જ આરામ કરતા હતા. ગતરાત્રે સાદુ ભોજન લીધા બાદ રાત્રે 9:30 વાગ્યા આસપાસ અંતિમ શ્ર્વાસ લીધા હતા. સ્વ. પોપટભાઇ કણસાગરાની જીવનસફર સંઘર્ષજાપી અને પ્રેરણાદાયી રહી છે અને 1963માં રાજકોટમાં નાનકડા સાહસ સાથે એઇલ એન્જીનની દુનિયામાં પગ માંડ્યા હતા અને ત્યારબાદ ભારે સંઘર્ષ અને મહેનત કરી ફિલ્ડમાર્શલ બ્રાન્ડથી ઓઇલએન્જીની ઉદ્યોગ શરૂ કરી ખેડૂતો માટે ક્રાંતિ ગણી શકાય તેવા ઓઇલ એન્જીનની શોધ કરી હતી અને વૈશ્ર્વિક ક્ષેત્રે ડંકો વગાડ્યો હતા. સ્વ. પોપટબાપાનું સામાજીક સેવાક્ષેત્રે પણ અનન્ય યોગદાન રહ્યુ છે. સિધ્ધાંતો અને દેશ પ્રેમની ભાવના સાથે તેમણે ઉદ્યોગ સાથે સેવાનું ફલક પણ વિસ્તાર્યુ હતુ અને સામાજિક સેવાકિય સંસ્થાઓમાં ઉદારહાજો દાન આપી સેવાકિય પ્રવૃતિઓમાં પણ ચાલુ રાખી હતી. ત્રણ પૂત્રો યુવાન થતા ઔદ્યોગિક ધરોહર પુત્રોને સોંપી સ્વ. પોપટબાપા સંપૂર્ણ સમય સેવાકિય પ્રવૃતિમાં આપતા હતા અને શહેર તથા ગુજરાની અનેક સામાજિક-સેવાકિય સંસ્થાઓ સાથે તન, મન, ધનથી જોડાઇ ગયા હતા.
આજે તેમની સ્મશાનયાત્રામાં લેઉવા-કડવા પટેલ સહિત તમામ આગેવાનો, રાજકિય નેતાઓ, વેપારીઓ, ઉદ્યોગકારો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા અને અશ્રુભીની આંખે પોપટબાપાને અંતિમ વિદાય આપી હતી.

રિલેટેડ ન્યૂઝ