અમદાવાદ : ડેટિંગ એપ પરથી મિત્રતા કરી યુવતીએ વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યો, 5 લાખની કરી માંગણી

અમદાવાદમાં એક વેપારીને ડેટિંગ એપ પર ચેટિંગ અને મહિલા સાથે મિત્રતા કરવું ભારે પડ્યું છે. ડેટિંગ એપ પરથી મિત્રતા કરી યુવતીએ વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યો અને સંબંધ બનાવ્યો. સંબંધ બનાવ્યા બાદ આ યુવતીએ વેપારી પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બ્લેકમેલીંગ કર્યું હતું. જયારે આ વેપારી અને યુવતી ઘરમાં હતા ત્યારે યુવતીના ઘરમાં પહેલેથી જ છુપાયેલા તેના એક મિત્રએ બંનેનો વિડીયો ઉતારી લીધો હતો. વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે આ યુવતી અને તેના સાથીદાર મિત્ર બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી કરી હતી.

આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ પાસે વેપાર કરતા વેપારીને તેમના મોબાઇલ ફોનમાં 20 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જે મિત્રતા વેપારીને 2.70 લાખમાં પડી હતી, જે બાદ વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

વેપારીને કવિતા નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત શરૂ કરી હતી. 12 દિવસ પહેલા કવિતા નામની યુવતીએ વેપારીને વૉટસએપ પર મેસેજ કરીને તેના ઘરનું લોકેશન મોકલ્યું હતું અને ઘરે બોલાવ્યા હતા. વેપારી ઘરે જતા થોડીવાર વાતચીત કરી હતી અને તેઓ કોફી પીને ત્યાંથી નીકળી ગયા હતા. જે બાદ અવારનવાર બન્ને વચ્ચે વાત થતાં 28મી જુલાઈએ કવિતાએ વેપારીને મેસેજ કરીને કાલે તમે આવી જાઓ, મારા પતિ સુરત શહેર જતા રહ્યા છે, તેવું કહીને વાત કરી હતી.

29 જુલાઈના રોજ બપોરના સમયે વેપારી યુવતીના ઘરે ગયા હતા અને થોડીવાર બેસ્યા હતા. જે બાદ યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને તેના બેડરૂમમાં વેપારીને લઈ ગઈ હતી અને કપડાં ઉતારીને વેપારીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. જે બાદ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. જોકે, તે સમયે જ ઘરનો મુખ્ય દરવાજો બંધ હોવા છતાં અચાનક એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને વેપારી સાથે મારઝૂડ કરી હતી અને ગંદી ગાળો આપી હતી. દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. જે દરમિયાન બીજો એક વ્યક્તિ પણ ઘરમાં આવી ગયો હતો અને તેણે અગાઉ આવેલા વ્યક્તિને રમેશ તરીકે બોલાવીને પોતાની ઓળખ વકીલ તરીકેની આપી હતી.

બંને જણાએ ભેગા થઈને વેપારીને માર મારી મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો અને રમેશ નામના વ્યક્તિએ વેપારીને 5 લાખ રૂપિયા આપ નહીં, તો તને દુષ્કર્મના કેસમાં ફસાવી દઈશું, તેવી ધમકી આપી હતી. વેપારીએ અત્યારે 5 લાખ રૂપિયા નથી, તેવું કહેતા વેપારીએ અંતે 70 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં બીજા વ્યક્તિએ 2 લાખ રૂપિયાની માંગ કરી હતી અને જેથી વેપારીએ પોતાના ખાતામાંથી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછી વેપારીને તે નીકળી ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ