રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈને આવ્યા મહત્વના સમાચાર

રાજકોટઃ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને જન્માષ્ટમી નજીક આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના લોકમેળાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દર જન્માષ્ટમીમાં રેસકોર્ષ ખાતે યોજાતા લોકમેળોને લીલીઝંડી આપી દેવામાં આવી છે. કોરોનાકાળના 2 વર્ષ બંધ રહ્યા બાદ રાજકોટમાં ચાલુ વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો આણંદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાતીગળ લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઑ આદરી દેવામાં આવી છે. આગામી 17 થી 21 ઓગસ્ટ દરમિયાન આ મેળો યોજાશે. ત્યારે લોકમેળા બાદ કોરોનાના કેસ ન વધે તે માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક વગર મેળામાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકોની સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં શ્રાવણ મહિનામાં 5 દિવસના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ લોક મેળામાં ગુજરાતના અન્ય પ્રાંતો સહિત સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી 10 લાખ ઉપરાંત લોકો મેળાની મોજ માણવા આવતા હોય છે. આવી સ્થિતિમાં કોરોનાને મોકળુ મેદાન ન મળે તે માટે લોકમેળામાં ભીડને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માસ્ક અંગેનો નિર્ણય કરવામા આવ્યો છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાએ કેડો ન છોડતા લોક મેળાના આયોજન પણ બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ હાલ કોરોના કેસ ઘટયા હોવાથી મેળાનું નિયમોના પાલન સાથે આયોજન કરવા લીલીઝંડી અપાઈ છે.

રિલેટેડ ન્યૂઝ