મેદાનમાં તરખાટ મચાવનાર ક્રિકેટરના ઘરમાં જ ડખ્ખો

ગુજરાતના યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવે છે. પરંતુ જામનગરમાં તેમના પરિવારમાં રાજકીય ધમાલ મચી છે. રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકીય મામલે સક્રિય થવા માંગે છે, પરંતુ તે પહેલા જ પરિવારમાં ધમાસાણ જોવા મળ્યું છે. પરિવારના બે સદસ્ય રાજકીય મામલે આમનેસામને જોવા મળ્યાં છે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ જામનગર બેઠક પર કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ, તેમના પત્ની રીવાબા જાડેજા ભાજપ પડખે છે. 

બહેન નયનાબાએ વિધાનસભાની ચૂંટણી માટે જામનગરની બેઠક માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ નયનાબા જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને રાજીનામું આપી દીધું છે. હાલ સંકેત એવા છે કે તેઓ જામનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. આ માટે તેમણે દાવેદારી પણ નોંધાવી છે. વિધાનસભાની તૈયારીઓ માટે તેમણે રાજીનામુ આપ્યુ હોવાનુ તેઓ જણાવે છે. તેમનુ કહેવુ છે કે, વિધાનસભા ચૂંટણી લડવી હોય તો બધી જવાબદારીઓમાં પહોંચી વળવુ શક્ય નથી, તેથી મેં રાજીનામુ આપ્યુ છે. મેં પત્રમાં પણ આ જ કારણ લખ્યું છે. 

તો બીજી તરફ, રીવાબાનુ કહેવુ છે કે,  ભાજપ ચૂંટણી વખતે મારી પર ભરોસો કરશે તો હું તૈયાર છું. ત્યારે પત્ની અને બહેન, રવિન્દ્ર જાડેજા માટે આ યક્ષ પ્રશ્ન બની રહેશે. ચૂંટણીમાં કોના પડખે રહેવુ, અને કોના માટે પ્રચાર કરવો તે તો સમય આવતા જ બતાવશે. પણ હાલ રવિન્દ્ર જાડેજાના પારિવારિક મુદ્દાને કારણે જામનગરનું રાજકારણ ગરમાયું છે. 

રિલેટેડ ન્યૂઝ